ડિસેમ્બરમાં વોશિંગ્ટન જશે PM મોદી! અમેરિકી રાજદૂતનો મોટો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે December માં ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જવાના છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વોશિંગ્ટનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ (USISPF સમિટ) દરમિયાન આ અંગેનો મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, પીએમ મોદી December માં મિયામીમાં યોજાનારી G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકા જઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તાજેતરના તેમના ભારત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વતી પીએમ મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વિપક્ષીય વેપાર, H-1B વિઝા નીતિઓ અને સંરક્ષણ કરારોને લઈને ભારત સાથે સીધા અને નક્કર કરારો કરવા ઈચ્છે છે.

‘તેઓ મારી જેમ જ છે, ઊંઘતા નથી’

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીની ગાઢ અને અનૌપચારિક દોસ્તી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પણ દુનિયા સમક્ષ મૂક્યો હતો. ગોરે જણાવ્યું, “એકવાર હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેકસ્ટેજ બેઠો હતો, ત્યારે અચાનક તેમણે મને કહ્યું- ‘ચાલો, મારા મિત્ર પીએમ મોદીને ફોન કરીએ.’ આ સાંભળીને મેં આશ્ચર્ય સાથે ટ્રમ્પને કહ્યું કે સર, આ સમયે ભારતમાં સવારના 6 વાગી રહ્યા હશે. પરંતુ ટ્રમ્પે તરત જ હસતા હસતા જવાબ આપ્યો- ‘અરે, તેઓ જાગતા જ હશે. તેઓ બિલકુલ મારી જેમ જ છે, ઊંઘતા નથી!'” જોકે, તે જ સમયે સ્ટેજ પર ટ્રમ્પના નામની જાહેરાત થઈ જવાને કારણે આ કોલ આગામી દિવસ માટે રી-શેડ્યૂલ કરવો પડ્યો હતો.

ટ્રમ્પ કેમ ઈચ્છે છે પીએમ મોદીનો વોશિંગ્ટન પ્રવાસ?

અમેરિકી રાજદ્વારીઓ અને વિશ્લેષકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીને વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરવા માટે ખૂબ જ આતુર છે. આની પાછળ કેટલાક મહત્વના વ્યૂહાત્મક અને રાજદ્વારી કારણો કામ કરી રહ્યા છે, જેમાં વૈશ્વિક પડકારો પર સમાન વલણ મુખ્ય છે. યુક્રેન સંકટ, મિડલ ઈસ્ટનો તણાવ અને હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકાને ભારત જેવા મજબૂત સાથીની જરૂર છે.

ટૂંક સમયમાં થશે મોટી ટ્રેડ ડીલ, આગામી વર્ષે ભારત આવી શકે છે ટ્રમ્પ

અમેરિકી રાજદૂતે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી મોટી વ્યાપારી ડીલ (Interim Trade Deal) અંગે પણ સારા સમાચાર આપ્યા હતા. તેમણે ભરોસો વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચેનો વ્યાપાર કરાર ખૂબ જ ટૂંક સમયમાં ફાઇનલ થઈ જશે. તેમણે ઉમેર્યું કે આ એક જટિલ કાનૂની પ્રક્રિયા છે જેમાં હજારો ઉત્પાદનો સામેલ છે, પરંતુ વાટાઘાટો ખૂબ જ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.

જ્યારે સર્જિયો ગોરને પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતની મુલાકાત લેશે? તો તેમણે સંકેત આપ્યો હતો કે ટ્રમ્પ આગામી વર્ષે એટલે કે 2027 માં ભારત આવી શકે છે. હાલમાં અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓને કારણે તેઓ વ્યસ્ત છે, પરંતુ આગામી વર્ષે તેમના ભારત આવવાની પૂરી સંભાવના છે. રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે મોદી અને ટ્રમ્પની આ અંગત કેમેસ્ટ્રી બંને દેશોના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશે.