PM મોદીએ પુતિનને કહ્યું, અમે શાંતિના પક્ષમાં છીએ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. શુક્રવાર સવારે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચી ગયા છે અને PM મોદીની સાથે તેમની આ પ્રવાસની સૌથી મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં PM મોદીએ પુતિનને કહ્યું હતું કે ભારત કોઈ તટસ્થ દેશ નથી. ભારતનો પક્ષ શાંતિનો છે. ભારત-રશિયા આર્થિક સંબંધોનું વિસ્તરણ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે યુક્રેન સંકટ બાદ સતત બન્ને દેશો ચર્ચા કરી રહ્યા છે અને શાંતિનો રસ્તો બધાએ મળીને શોધવો પડશે.

હૈદરાબાદ હાઉસમાં પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે, જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ એજન્ડામાં હશે. તે પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત બાદ પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજઘાટ જવા પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પુતિનને ભારતની ત્રણેય સેનાઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યો. પુતિનને તોપોની સલામી પણ આપવામાં આવી. બન્ને રાષ્ટ્રપ્રમુખો — દ્રૌપદી મુર્મુ અને પુતિને એકબીજાના પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી.

એ પહેલાં, ગુરુવાર ચોથી ડિસેમ્બરની સાંજે પુતિનનું વિમાન નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઊતર્યું હતું. અહીં PM મોદીએ પ્રોટોકોલ તોડી પોતે જ પુતિનને રિસીવ કર્યા. બન્ને નેતાઓ એરપોર્ટથી એક જ કારમાં PM નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનું તેમના સરકારી નિવાસ પર ડિનર માટે સ્વાગત કર્યું હતું. બન્ને વચ્ચે લગભગ 3 કલાક સુધી બેઠક પણ થઈ હતી.