નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમમાં ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ એન્ડ એક્સ્પો 2026’નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રના વૈશ્વિક નેતાઓ, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ભાગ લેશે. વડા પ્રધાન મોદી 16 ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026’નું ઉદ્ઘાટન કરશે. આ સમિટ 16થી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ એક્સ્પો AIના પ્રેક્ટિકલ ડેમો માટે રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ બનશે. અહીં નીતિ અને પ્રયોગનો સમન્વય જોવા મળશે. નવીનતાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. આ સમિટ દ્વારા ટેક્નોલોજી સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો હેતુ છે. એક્સ્પો 70,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેમાં 10 ઝોન હશે. તેમાં વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ, એકેડેમિયા અને સંશોધન સંસ્થાઓ, કેન્દ્ર મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો ભાગ લેશે.એક્સ્પોમાં 13 દેશોના પેવિલિયન પણ હશે, જે AI સિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહકાર દર્શાવશે. તેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકા પ્રદેશના પેવિલિયન સામેલ છે. એક્સ્પોમાં 300થી વધુ વિશેષ પ્રદર્શન પેવિલિયન અને લાઇવ ડેમો જોવા મળશે. એક્સ્પોમાં 600થી વધુ હાઇ-પોટેન્શિયલ સ્ટાર્ટઅપ ભાગ લેશે, જેમાંથી ઘણા વૈશ્વિક સ્તરે અને મોટી વસ્તી માટે ઉપયોગી સોલ્યુશન વિકસાવી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ એવાં ઉપયોગી સોલ્યુશન રજૂ કરશે જે પહેલેથી જ વાસ્તવિક દુનિયામાં અમલમાં છે.
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026માં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 25 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે. આ કાર્યક્રમનો હેતુ વૈશ્વિક AI ઇકોસિસ્ટમમાં નવી ભાગીદારી વધારવાનો અને વ્યાપારિક તકો ઊભી કરવાનો છે.
આ સમિટમાં 500થી વધુ સેશન્સ યોજાશે, જેમાં 3250થી વધુ દ્રષ્ટાવાન વક્તાઓ અને ચર્ચાકારો જોડાશે. આ સત્રોનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રોમાં AI દ્વારા આવતા પરિવર્તનોને સમજવો અને ભવિષ્યના માર્ગ પર ચર્ચા કરવાનો રહેશે, જેથી AIનો લાભ વિશ્વના દરેક નાગરિક સુધી પહોંચી શકે.


