PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે

PM મોદી એક મહિનામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવશે. આવતા સપ્તાહે પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવશે. 20 સપ્ટેમ્બરના રોજ તેઓ ભાવનગર પધારશે. પાટીદારોના ગઢ ગણાતા ભાવનગરમાં તેઓ રોડ શો પણ કરશે. વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.

20 સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાશે. ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલિસી અંગે તેમજ મહત્ત્વના કેટલાક એમઓયુ પણ થશે. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા રોડ શો યોજાશે. આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.


વડાપ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર સહિત વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે કોર કમિટી સહિત તમામ કમિટીઓ સાથે કાર્યક્રમના આયોજનને લઈને વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું‌.

ગત મહિને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતે મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે અમદાવાદના નિકોલમાં રોડ શો કર્યો હતો અને ખોડલધામ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધી હતી. તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.