પીએમ મોદીની ‘મન કી બાત’: કહ્યું – બુદ્ધનો સંદેશ એ જ ભવિષ્ય

7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ ના 133 માં એપિસોડમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમણે તમિલનાડુના કલપક્કમમાં સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરની સિદ્ધિ, ઉત્તર-પૂર્વના વાંસ ઉદ્યોગની સફળતા અને ગણિત ઓલિમ્પિયાડમાં દીકરીઓના પ્રદર્શનને બિરદાવ્યું હતું. પીએમ મોદીએ ભગવાન બુદ્ધના વિચારોને વર્તમાન તણાવભરી દુનિયા માટે અનિવાર્ય ગણાવ્યા હતા અને આગામી જનગણનામાં નાગરિકોની ભાગીદારીને સરળ બનાવવા માટેની નવી સુવિધાઓ વિશે પણ માહિતી આપી હતી.

પર્યાવરણ અને વન્યજીવન વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના તરાઈ ક્ષેત્રમાં કાપણીની મોસમમાં હાથીઓના ટોળા માનવ વસાહતોની નજીક આવવાથી સંઘર્ષની શક્યતા રહે છે, જેની સામે સાવચેતી જરૂરી છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે છત્તીસગઢમાં કાળિયાર (Blackbuck) ફરીથી દેખાવા લાગ્યા છે, જે પર્યાવરણીય સુધારાનું પ્રતીક છે. આ ઉપરાંત, તેમણે રાજસ્થાનના રણ વિસ્તારની ઓળખ સમાન ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ગોડાવણ પક્ષી) ની ઘટતી જતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસોની નોંધ લીધી હતી.

પીએમ મોદીએ સિલીગુડીના કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ 9 ના વિદ્યાર્થી ચંદન મલિકનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ બાળ કલાકારે પીએમ મોદીને પોતાના હાથે બનાવેલું પેઈન્ટિંગ ભેટ આપ્યું હતું. વડાપ્રધાને માત્ર આ ભેટનો સ્વીકાર જ ન કર્યો, પરંતુ બાળકને વ્યક્તિગત પત્ર લખીને તેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત, તેમણે બ્રાઝિલમાં આંતરરાષ્ટ્રીય ચીઝ સ્પર્ધામાં ભારતના બે બ્રાન્ડ્સને મળેલા એવોર્ડની ચર્ચા કરતા જણાવ્યું કે ભારતની ડેરી પ્રોડક્ટ્સ હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે અને ભારતમાં ચીઝની વિવિધતા પર વધુ સંવાદ થવો જોઈએ.

ભગવાન બુદ્ધના સંદેશને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આખી દુનિયા તણાવ અને સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે, ત્યારે બુદ્ધના વિચારો જ ભવિષ્યનો માર્ગ બતાવી શકે છે. તેમણે દક્ષિણ અમેરિકાના ચિલીમાં લદ્દાખના ડ્રુબપોન ઓત્ઝર રિનપોચેના માર્ગદર્શન હેઠળ ભગવાન બુદ્ધના વિચારોનો પ્રસાર કરતી સંસ્થાના કાર્યની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે શાંતિ આપણી અંદરથી શરૂ થાય છે અને સ્વયં પર વિજય એ જ સૌથી મોટો વિજય છે.

આર્થિક અને વૈજ્ઞાનિક પ્રગતિ વિશે પીએમ મોદીએ કહ્યું કે 2017 માં વાંસને ‘વૃક્ષ’ ની શ્રેણીમાંથી હટાવવાના કાયદાકીય ફેરફારને કારણે આજે ઉત્તર-પૂર્વ ભારતમાં વાંસનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો-ફાલ્યો છે. તેમણે ઉત્તર-પૂર્વને ભારતની ‘અષ્ટલક્ષ્મી’ તરીકે ઓળખાવ્યું હતું. વિજ્ઞાન ક્ષેત્રે તેમણે તમિલનાડુના કલપક્કમમાં ‘ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ (Fast Breeder Reactor) એ ક્રિટિકાલિટી હાંસલ કરી હોવાની મોટી જાહેરાત કરી હતી. આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલું રિએક્ટર ભારતની પરમાણુ ઉર્જા મુસાફરીમાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આગામી જનગણના વિશે માહિતી આપતા પીએમ મોદીએ જણાવ્યું કે હવે ‘સેલ્ફ-એન્યુમરેશન’ (સ્વયં-ગણતરી) ની સુવિધા દ્વારા નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઇન નોંધી શકશે. ગણતરી કરનાર કર્મચારી ઘરે આવે તેના 15 દિવસ પહેલા જ આ સુવિધા ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ પરિવારોની હાઉસ લિસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લે, તેમણે સૌર અને પવન ઉર્જા અપનાવીને વીજળી બચાવવા અને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા દેશવાસીઓને આહવાન કર્યું હતું.