વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 137મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ સંબોધનમાં તેમણે રાષ્ટ્રીય એકતા, સામાજિક જાગૃતિ, નશામુક્તિ અભિયાન અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા જેવા અનેક પાયાના વિષયો પર પ્રકાશ પાડ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને દેશના યુવાનોને નશામુક્તિ અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નશાની લત માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ તેના સમગ્ર પરિવારને બરબાદ કરે છે. તેથી યુવાનોએ નાટક, ગીતો અને સ્લોગન જેવા સર્જનાત્મક માધ્યમોથી સમાજમાં જાગૃતિ ફેલાવવી જોઈએ.
દેશના ઈતિહાસ અને ડિજિટલ ઈનોવેશનની વાત કરતા વડાપ્રધાને મુંબઈના ક્રિષ્ણા શેષાદ્રીની ‘ભારત રાજ્ય ડાટ કોમ’ નામની વેબસાઈટની સરાહના કરી હતી અને તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. આ વેબસાઈટ દ્વારા ભારતના કોઈપણ વર્ષના ઐતિહાસિક શાસકો વિશે માહિતી મેળવી શકાય છે. આ સાથે તેમણે ઓગસ્ટ મહિનામાં આઝાદીના પર્વ અને ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં વ્યાપેલી દેશભક્તિની લહેરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૮ કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ થઈ ચૂકી છે.
આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને પુનઃ એકવાર દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર અપનાવવા અને સ્થાનિક કારીગરોને ટેકો આપવા આહ્વાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને પણ સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર માટે આગળ આવવા વિનંતી કરી હતી.




