ભોપાલઃ મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં LPG સિલિન્ડરની વધતી કિંમતો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈલીની મિમિક્રી કરીને બનાવેલો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા બાદ એક સરકારી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સત્તારૂઢ ભાજપના એક ધારાસભ્યની ફરિયાદ પછી કરવામાં આવી હતી. આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું હતું કે હવે લોકતંત્રમાં પ્રશ્ન પૂછવો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ ગુનો બની ગઈ છે.
જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પોહરી વિકાસખંડના એક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સાકેત પુરોહિતે તાજેતરમાં એક વિડિયો બનાવી સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે વિડિયોમાં તેમણે વડા પ્રધાનની શૈલીની મિમિક્રી કરીને ગેસ સિલિન્ડરની કિંમતો અંગે વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી.
આ વિડિયોમાં શિક્ષક કહેતા દેખાય છે કે ગેસના ભાવ વધવાથી લોકો ફરી ચુલા પર બનાવેલી રોટલી ખાવા લાગશે, જેને કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. શિક્ષકનો આ વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. ત્યાર બાદ પિછોર વિસ્તારના ભાજપ ધારાસભ્ય પ્રીતમ લોધીએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માગ કરી હતી.
શું છે આરોપ?
આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક સરકારી શિક્ષક દ્વારા આ રીતે વડા પ્રધાન અને જનપ્રતિનિધિઓની મિમિક્રી કરીને ટિપ્પણી કરવી સરકારી સેવા આચરણ નિયમો વિરુદ્ધ છે. તેમનું કહેવું હતું કે આથી સમાજમાં અયોગ્ય સંદેશ જાય છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરાવી, જેમાં શિક્ષકનું કૃત્ય શાસકીય સેવકોના આચરણ નિયમો સામે હોવાનું માનવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ત્યાર બાદ મધ્ય પ્રદેશ સિવિલ સેવા નિયમો હેઠળ સાકેત પુરોહિતને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્ડ કરાયેલા શિક્ષક સાકેત પુરોહિતે કાર્યવાહી એકતરફી હોવાનું કહી જણાવ્યું હતું કે તેમને ન તો કારણ બતાવો નોટિસ આપવામાં આવી અને ન પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી. તેમણે કહ્યું હતું કે સાંભળ્યા વિના લેવાયેલો નિર્ણય યોગ્ય નથી.




