પોતાના ન્યૂઝીલેન્ડ પ્રવાસના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ભારતીય સમુદાયના લોકો સાથે એક ભવ્ય સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીના સન્માનમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિનો અદ્ભુત તેમજ ભવ્ય સંગમ જોવા મળ્યો હતો. આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ ન્યૂઝીલેન્ડની પરંપરાગત શૈલી ‘હાકા’ (Haka) અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય ‘કથક’ (Kathak) વચ્ચેની અનોખી જુગલબંધી હતી, જેણે સૌના દિલ જીતી લીધા હતા.
न्यूजीलैंड के सभी निवासियों के लिए मैं 140 करोड़ भारतीयों की शुभकामनाएं लेकर यहां आया हूं। pic.twitter.com/DNWYx95emz
— Narendra Modi (@narendramodi) July 11, 2026
બંને દેશોના સંબંધોને દ્વિપક્ષીય સમર્થન
ઓકલેન્ડમાં આયોજિત આ કમ્યુનિટી ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ઓકલેન્ડથી લઈને વેલિંગ્ટન સુધી, અને ક્રાઈસ્ટચર્ચથી લઈને ક્વીન્સટાઉન સુધી, ન્યૂઝીલેન્ડના દરેક ખૂણામાં વસેલો ભારતીય સમુદાય આ સહિયારી યાત્રાનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે. હું મારા મિત્ર અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન, ન્યૂઝીલેન્ડ સરકારના તમામ સહયોગીઓ અને અહીં ઉપસ્થિત લેબર પાર્ટીના સભ્યોનો આભાર માનું છું. આ હાજરી ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધો માટે રહેલા જબરદસ્ત દ્વિપક્ષીય સમર્થનને દર્શાવે છે. સાથે જ તે કીવી-ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને તેમના અમૂલ્ય યોગદાનના મહત્વને પણ ઉજાગર કરે છે.”
Whenever the Indian diaspora is praised, I feel very proud! pic.twitter.com/7DANDblQOs
— Narendra Modi (@narendramodi) July 11, 2026
‘વાકા’ શબ્દ જે અહીંના લોકોને જોડે છે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોની ગહનતા સમજાવતા પીએમ મોદીએ ન્યૂઝીલેન્ડની એક સુંદર પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “આપણા સંબંધોમાં યાદો, મિત્રતા, મૂલ્યો અને એક પ્રતિબદ્ધતા છે. સદીઓથી અહીંના લોકોને એક શબ્દ જોડતો આવ્યો છે અને તે છે – ‘વાકા’ (Waka). ‘વાકા’ એ માત્ર એક હોડી કે ડોંગીનું નામ નથી, પરંતુ તે આપણી સહિયારી જીવન યાત્રાનું પ્રતીક છે. આજે ભારત-ન્યૂઝીલેન્ડનું આ ‘વાકા’ એક નવી યાત્રા શરૂ કરવા તૈયાર છે, જ્યાં આપણી સામે અપાર તકો છે અને હવા પણ આપણા પક્ષમાં અનુકૂળ છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, “આજે પૂરા 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવ્યા છે. આ મારું ઘણું મોટું સૌભાગ્ય છે કે હું તમારા માટે 140 કરોડ ભારતીયોની શુભકામનાઓ અને સ્નેહ લઈને આવ્યો છું.”
इस वर्ष इंडिया-न्यूजीलैंड स्पोर्टिंग रिलेशन्स के सौ साल पूरे हो रहे हैं। आज भी स्पोर्ट्स में दोनों देशों के बीच परस्पर सहयोग की बहुत संभावनाएं हैं। pic.twitter.com/Dd3BKbe4OC
— Narendra Modi (@narendramodi) July 11, 2026
25-30 વર્ષ જૂના મફલરની ભાવુક ક્ષણ
વડાપ્રધાન તરીકે પોતાની આ પ્રથમ મુલાકાત હોવા છતાં, પીએમ મોદીએ પોતાના ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે કહ્યું, “આશરે 25 થી 30 વર્ષ પહેલા, જ્યારે હું કોઈ સરકારનો હિસ્સો નહોતો અને જાહેર જીવનમાં મને કોઈ ઓળખતું નહોતું, ત્યારે મને ન્યૂઝીલેન્ડ આવવાની તક મળી હતી. તે સમયે અહીંના એક વ્યક્તિએ મને ત્રણ વસ્તુઓ ભેટમાં આપી હતી જે હું ભારત લઈ ગયો હતો – એક મફલર, એક ટોપી અને ગ્લોવ્ઝ (દસ્તાને). આજે હું તે વસ્તુઓમાંથી એક વસ્તુ આ કાર્યક્રમમાં મારી સાથે લાવ્યો છું. તમે જે મફલર જોઈ રહ્યા છો, તે મને 25-30 વર્ષ પહેલા અહીં ભેટ મળ્યું હતું. આટલા વર્ષોમાં મેં તેનો ઘણી વખત ઉપયોગ કર્યો છે અને આજે પણ હું તેની એટલી જ કાળજી રાખું છું, જેટલી કાળજી હું તમારા પ્રેમની રાખું છું.”
ન્યૂઝીલેન્ડમાં ભારતીય શહેરોનું સન્માન
ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને મળતી સ્વીકૃતિ અને સન્માન અંગે વાત કરતા પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું કે, “ન્યૂઝીલેન્ડ એક એવું સ્થાન છે જ્યાં નિખિલ રવિશંકર ‘એર ન્યૂઝીલેન્ડ’ (Air New Zealand) ના CEO બની શકે છે અને આનંદ સત્યાનંદ અહીંના ગવર્નર-જનરલ બની શકે છે. રચીન રવીન્દ્ર, ઈશ સોઢી અને એજાજ પટેલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને અહીંની ક્રિકેટ ટીમમાં શાનદાર તકો મળે છે. આ એક એવો દેશ છે જ્યાં રસ્તાઓના નામકરણમાં પણ ભારતીય શહેરોને મોટું સન્માન આપવામાં આવ્યું છે. અહીં ખંડાલા છે (ફિલ્મો વાળું નહીં), આ સિવાય બોમ્બે હિલ્સ, કોરોમંડલ, કલકત્તા સ્ટ્રીટ, દિલ્હી ક્રિસેન્ટ, અમૃતસર સ્ટ્રીટ જેવા અનેક ભારતીય નામો ધરાવતા સ્થળો ગર્વથી ઉભા છે.”




