કેવડિયા ખાતે PM મોદી ₹426.71 કરોડના 31 વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

રાજપીપળા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦-૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગુજરાતના એકતા નગરની મુલાકાતે છે. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ વિશેષ પ્રસંગે પીએમ મોદી એકતા નગર અને સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર માટે ₹૪૨૬.૭૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા કુલ ૩૧ જેટલા વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત દરમિયાન ₹૩૦૭.૮૩ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૩ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પ્રવાસીઓ માટે ₹૫૦ કરોડના ખર્ચે નિર્મિત IRCTC હોટલ, ₹૧૬ કરોડની નવી એકતા ક્રૂઝનો સમાવેશ થાય છે.  ₹૧૪.૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું રેઇન ફોરેસ્ટ તેમજ ₹૩.૬૭ કરોડની ઇકો-ટ્રેઇલ જેવાં નવાં આકર્ષણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રાવેલેટર્સ, સ્ટાફ ક્વાર્ટર્સ અને નવી એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો સહિતની સુવિધાઓ ખુલ્લી મુકાશે.

સાથોસાથ ₹૧૧૮.૮૮ કરોડના ખર્ચે આકાર પામનારા ૮ જેટલા નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં રોડ નેટવર્ક, ખલવાણી ઇકો ટુરિઝમ અને સ્માર્ટ ઝીરો વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.