દેશભરમાંથી આવેલા પોલીસ ખેલાડીઓએ અમદાવાદમાં ‘હેરિટેજ વોક’નો આનંદ માણ્યો

અમદાવાદ: નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ અંતર્ગત મંગળવારે (૨૪ નવેમ્બર) વહેલી સવારે એક વિશેષ ‘હેરિટેજ વોક’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)માંથી આવેલા પોલીસ ખેલાડીઓ અને અધિકારીઓએ આ હેરિટેજ વોકમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતના મેદાન પરના રોમાંચક મુકાબલાઓની વચ્ચે, ખેલાડીઓએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, ભવ્ય વારસા અને સમૃદ્ધ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લહાવો લીધો હતો.ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ સુચારુ આયોજનથી અન્ય રાજ્યોમાંથી પધારેલા ખેલાડીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ હેરિટેજ વોકથી ખેલાડીઓમાં નવી ઊર્જા અને તાજગીનો સંચાર થવાની સાથે સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના પણ વધુ મજબૂત બની હતી.