સુરત પોલીસે બ્લેકમેઇલિંગનો ભોગ બનેલી મહિલાનો જીવ અને લગ્નજીવન બચાવ્યા

ગાંધીનગર: સુરત પોલીસે માત્ર એક મહિલાને આત્મહત્યા કરતી અટકાવી તેનો જીવ જ નથી બચાવ્યો, પરંતુ એક ગંભીર સાયબર ગુનાનો પર્દાફાશ કરીને પીડિતાનું તૂટવાના આરે પહોંચેલું લગ્નજીવન પણ ફરીથી પાટે ચડાવ્યું છે. સાયબર ક્રિમિનલની જાળમાં ફસાયેલી નિર્દોષ મહિલાને તેના પતિ સાથે પુનઃ મિલન કરાવીને પોલીસે માનવતાવાદી અભિગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તાપી નદીના કિનારેથી મહિલાનો જીવ બચાવાયો

ઘટનાની વિગત એવી છે કે, આશરે એક મહિના પહેલાં સુરતના અમરોલી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક 30 વર્ષીય મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે. પોલીસ ત્વરિત એક્શનમાં આવી મહિલાના ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં ન મળતા શોધખોળ આદરી હતી. અંતે તાપી નદીના કિનારે ભારે માનસિક તણાવમાં બેઠેલી આ મહિલાને પોલીસે નદીમાં ઝંપલાવે તે પહેલાં જ સમયસર બચાવી લીધી હતી.

પૂછપરછમાં ખૂલ્યો સાયબર બ્લેકમેઇલિંગનો ગંભીર ગુનો

પોલીસ સ્ટેશન લાવ્યા બાદ મહિલાએ રડતા રડતા જણાવ્યું કે તેનો પતિ તેની સાથે ગંભીર મારપીટ કરે છે. આથી પોલીસે સત્ય જાણવા માટે તેના પતિને બોલાવ્યો, જેની પૂછપરછમાં આખો કેસ પલટાઈ ગયો હતો.

સુરત શહેર ઝોન-5ના DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે,

“મહિલાની ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. આ શખ્સે મહિલાનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને તેના આધારે બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે આ ક્લિપ મહિલાના પતિને મોકલી આપી હતી. પત્ની બેવફા હોવાની શંકામાં પતિએ ઘરેલુ હિંસા આચરી હતી, જેનાથી કંટાળીને મહિલા આત્મહત્યા કરવા મજબૂર બની હતી.”

છત્તીસગઢથી આરોપી ઝડપાયો

મહિલા સાયબર ક્રાઇમનો ભોગ બની હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપી અર્જુન ઉર્ફે મોન્ટુ ઉપાધ્યાય બિહારથી છત્તીસગઢ ભાગી ગયો હતો. સુરત પોલીસે છત્તીસગઢના તેલબાંધા ગામમાં વેશપલટો કરીને, સ્થાનિકો સાથે ભળી જઈને ગુપ્ત માહિતી એકત્ર કરી આરોપીને ઝડપી લીધો હતો. હાલ આરોપી સામે BNS અને IT Act હેઠળ ગુનો નોંધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો છે.

પોલીસ બન્યા તારણહાર: પતિ-પત્ની વચ્ચે કરાવ્યું સમાધાન

આરોપીને જેલભેગો કરવાની સાથે પોલીસે પીડિતાના સંસારને બચાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. પોલીસે જોયું કે પતિનો ગુસ્સો માત્ર ગેરસમજને કારણે હતો. આથી પતિનું વિશેષ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેને આખી સાયબર જાળની વિગતો સમજાવી પત્ની તદ્દન નિર્દોષ હોવાની ખાતરી અપાવી. પોલીસની સમજાવટ સફળ રહી અને પતિને પોતાની ભૂલ સમજાતાં તેણે પત્નીનો સ્વીકાર કર્યો હતો. સુરત પોલીસના આ સંવેદનશીલ અભિગમને કારણે એક ગુનેગાર પકડાયો, એક જીવ બચ્યો અને એક પરિવાર વિખેરાતો અટકી ગયો.