તિરંગા માર્ચ પહેલાં પોલીસની દીપકેને કાર્યવાહી કરવાની ચેતવણી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપી છે કે તે CJP અને તેના સ્થાપક અભિજિત દીપકે સામે કાર્યવાહી કરશે. અદાલત એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે 16 ઓક્ટોબરે કોનોટ પ્લેસમાં CJP દ્વારા આયોજિત પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને કારણે આ વિસ્તારમાં વેપારી પ્રવૃત્તિઓ ખોરવાઈ શકે છે.

દિલ્હીના રહેવાસી અનિલ કુમાર ગુપ્તાની અરજી પર અદાલતમાં સુનાવણી થઈ હતી. ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ નાના વેપારીઓનો પક્ષ રજૂ કરી રહ્યા છે. જંતર-મંતર અને તેની આસપાસ સતત થતાં વિરોધ પ્રદર્શનો અને આંદોલનોને કારણે આ વેપારીઓના ધંધા પર ગંભીર પ્રતિકૂળ અસર પડી છે.

“તિરંગો લહેરાવો” અભિયાનનું આહ્વાન

અભિજિત દીપકેએ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં “તિરંગો લહેરાવો” અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને કનોટ પ્લેસ અને જંતર-મંતરની આસપાસ સુરક્ષાની વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળોની અનેક કંપનીઓ પહેલેથી જ દિલ્હીમાં તૈનાત છે. દિલ્હી પોલીસે થોડા દિવસ પહેલાં જંતર-મંતરને ધરણાં અને વિરોધ પ્રદર્શન માટેનાં નિર્ધારિત સ્થળોની યાદીમાંથી દૂર કરી દીધું હતું. પોલીસના જણાવ્યાનુસાર હવે રામલીલા મેદાન, બુરાડી મેદાન અથવા સીબીડીએ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી શકાય છે.

કોનોટ પ્લેસ પહોંચવા માટે અપીલ

આ પહેલાં CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ જંતર-મંતર પર પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો. તેમની ધરપકડ કર્યા બાદ તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અભિજિત દીપકેએ લોકોને કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં પહોંચવાની અપીલ કરી હતી. તેમણે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈને તિરંગો લહેરાવવાનું આહ્વાન કર્યું હતું. દીપકેના જણાવ્યાનુસાર રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ લોકશાહી અધિકાર છે. CJPએ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે અન્ય શહેરોમાં પણ તિરંગા માર્ચ યોજવાનું આહ્વાન કર્યું છે.

કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં વિરોધ પ્રદર્શનની મંજૂરી નહીં

દિલ્હીના કનોટ પ્લેસમાં CJPના અભિજિત દીપકેને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી મળી નથી. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી)નાં સૂત્રોના જણાવ્યાનુસાર વિરોધ પ્રદર્શન માટે ન તો મંજૂરી માગવામાં આવી છે કે ન તો મંજૂરી આપવામાં આવશે.