નવી દિલ્હીઃ જાપાનના વડા પ્રધાન સનાએ તકાઈચી ભારત પ્રવાસે આવ્યાં છે. તેમના સ્વાગત સમારોહ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સનાએ તકાઈચીએ એકબીજાને પોતપોતાના મંત્રીઓ તથા પ્રતિનિધિમંડળના સભ્યો સાથે પરિચય કરાવ્યો હતો.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધોને રોકાણ આધારિત ભાગીદારીથી આગળ વધારી વ્યાપક વેપારિક ભાગીદારીમાં બદલવાની જરૂર છે. તેમણે જાપાન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની સમીક્ષા કરવાની પણ જરૂરિયાત દર્શાવતાં કહ્યું હતું કે વેપાર વધારવા અંગેની ચર્ચા સતત ચાલતી પ્રક્રિયા છે.
“આ માત્ર ભાગીદારી નહીં, વૈશ્વિક વિશ્વાસનું પ્રતીક”
જાપાનના વડા પ્રધાનના ભારત પ્રવાસ અંગે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે ભારત અને જાપાનના સંબંધો માત્ર વેપાર સુધી મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે, જે વૈશ્વિક સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે જ્યારે વિશ્વ સપ્લાય ચેઇન સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ભારત અને જાપાને મળીને સપ્લાય ચેઇન રિઝિલિયન્સ ઇનિશિયેટિવ દ્વારા વિશ્વને વિશ્વાસ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના નેતૃત્વ વચ્ચેનો તાલમેલ બંને દેશોના ઉદ્યોગોને નવી શક્તિ આપી રહ્યો છે.
“સુઝુકી જેવી કંપનીઓએ ભારતને મજબૂત બનાવ્યું”
તેમણે જણાવ્યું હતું કે સુઝુકી જેવી કંપનીઓએ ભારતને વૈશ્વિક ઓટોમોબાઇલ ક્ષેત્રમાં મજબૂત સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જાપાને ભારતના અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઇલ પ્રોજેક્ટ્સમાં સહયોગ આપ્યો છે. દેશનો પ્રથમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પણ જાપાનની ભાગીદારીથી વિકસાવવામાં આવ્યો છે.
વેપાર અને રોકાણમાં વધારોતેમણે જણાવ્યું હતું કે દેશમાં જાપાનનું રોકાણ સતત વધી રહ્યું છે. તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી લઈને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર સુધીના અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ફ્રી ટ્રેડ ડીલ તરફ આગળ વધી રહેલા પ્રયાસો
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં ભારતે અમેરિકા સાથે ટેરિફ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને બ્રિટન સાથેના વેપાર કરારને પણ અંતિમ સ્વરૂપ આપ્યું છે. હવે જાપાન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ફરી સંતુલિત (Re-balance) કરીને વધુ આધુનિક અને અસરકારક બનાવવાનો સમય આવી ગયો છે.




