ભોપાલઃ રાજ્યમાં અનાજની બોરીઓ, પથારી, રસોઈનાં વાસણો અને એક સપ્તાહનું રાશન લઈને લગભગ 2000 ખેડૂતો મંગળવારે ભોપાલના બાહ્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે શહેરના દક્ષિણ છેડે પોલીસ દ્વારા લગાવવામાં આવેલી બેરિકેડિંગ તોડી નાખી હતી. પાક ખરીદીને મુદ્દે ચાલી રહેલો આ વિવાદ હવે મુખ્ય મંત્રી મોહન યાદવ સરકાર માટે આ વર્ષની સૌથી મોટી રાજકીય ટક્કરોમાંનો એક બની ગયો છે. સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ 19 સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર રાજ્યના મગના પાકની 100 ટકા ખરીદી કરવા સંમત નહીં થાય, ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં. એ સાથે જ તેમણે ખાતરના વિતરણ સંબંધિત પોતાની જૂની ફરિયાદોનું પણ નિરાકરણ લાવવાની માગ કરી છે.
મંગળવાર રાત્રે ખેડૂતોની રેલી ભોપાલની બહાર આવેલા જિલ્લાઓમાં પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું અને અનેક સ્તરે બેરિકેડ લગાવી તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોની મુખ્ય માગ શું છે?
ખેડૂતોની ભોપાલ માર્ચ મુખ્યત્વે લઘુતમ ટેકાના ભાવ (MSP) પર મગની ખાતરીપૂર્વક ખરીદીની માગને લઈને શરૂ થયો છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે તુવેર, અડદ અને મસૂરની 100 ટકા MSP પર ખરીદીની જાહેરાત કરી છે, જ્યારે મગની ખરીદી હજુ પણ પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ થાય છે.
આ યોજના મુજબ ખરીદી સામાન્ય રીતે રાજ્યના અંદાજિત ઉત્પાદનના 25 ટકા સુધી મર્યાદિત રહે છે. ખેડૂતોનું કહેવું છે કે આ મર્યાદાને કારણે પાકનો મોટો હિસ્સો ખુલ્લા બજારમાં વેચવો પડે છે, જ્યાં ભાવ 2026-27 સીઝન માટે નક્કી કરાયેલા રૂ. 8768 પ્રતિ ક્વિન્ટલ MSP કરતાં ઘણો ઓછો મળે છે. ખેડૂત નેતા સંતોષ પટવારીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 20 દિવસથી આંદોલન કરી રહ્યા છીએ. સરકારને અનેક વખત આવેદનપત્ર મોકલ્યા છતાં કોઈ જવાબ મળ્યો નથી. ખેડૂતોને તેમની મગની ઊપજનો યોગ્ય ભાવ મળતો નથી, તેથી મુખ્ય મંત્રીના નિવાસસ્થાન સુધી જવાનો અમારા પાસે એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
Bhopal, Madhya Pradesh: Farmers protest under the Samyukt Kisan Morcha banner to demand 100% procurement of moong at the Minimum Support Price (MSP) and reforms in the agricultural sector pic.twitter.com/d0rvFNLU7y
— IANS (@ians_india) July 29, 2026
નર્મદાપુરમથી શરૂ થયું આંદોલન
આ આંદોલનની શરૂઆત નર્મદાપુરમથી થઈ હતી, જ્યાં ખેડૂતો પ્રથમ સેઠાની ઘાટ પર એકત્ર થયા અને ત્યાર બાદ ભોપાલ તરફ કૂચ શરૂ કરી. શરૂઆતમાં પ્રશાસને રેલીને આગળ વધવાથી રોકી હતી, જેને કારણે ખેડૂતો ધરણાં પર બેસી ગયા હતા. જોકે સાંજ સુધીમાં અધિકારીઓએ બેરિકેડ હટાવી દીધી અને કૂચ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.




