સીમાંકન બિલ ,આરક્ષણ બિલ મુદ્દે વિશેષ સેશન બોલાવવાની સરકારની તૈયારી

નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધને દૂર કરવા માટે આજે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વચ્ચે લાંબી બેઠક યોજવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર આ બેઠકમાં સીમાંકન બિલ અંગે સંસદનું વિશેષ સત્ર બોલાવવાને મુદ્દે ચર્ચા થઈ હતી. સરકાર 15 ઓગસ્ટ બાદ સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંસદનું વર્તમાન મોન્સુન સત્ર પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત સંબંધિત મહત્વના વિધેયકોને આગળ વધારવાની તૈયારીમાં છે.

રાજકીય પક્ષો સાથે સરકારનો સંપર્ક

સૂત્રોના જણાવ્યા મુજબ 16થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા સંભવિત વિશેષ સત્રમાં સરકાર સીમાંકન બિલ પર ચર્ચા કરીને તેને પસાર કરાવવા ઇચ્છે છે. આ માટે સરકાર વિવિધ રાજકીય પક્ષો સાથે સંપર્ક સાધી રહી છે, જેથી બિલ અંગે વ્યાપક સહમતી બની શકે.

સંસદમાં ગતિરોધ દૂર કરવા માટે કિરણ રિજિજુને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ચર્ચાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અન્ય વિરોધ પક્ષો સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ, અર્જુનરામ મેઘવાલ અને એસ. મુરુગનને જવાબદારી આપવામાં આવી છે. તેઓ અલગ-અલગ વિરોધ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે.

આગામી સપ્તાહે FCRA સુધારા વિધેયક રજૂ કરવાની તૈયારી

સરકાર આગામી સપ્તાહે Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 (FCRA સુધારા વિધેયક, 2026) પણ સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આ વિધેયક વિદેશી ફંડિંગ સંબંધિત હાલના કાયદામાં સુધારાનો પ્રસ્તાવ લાવશે.

કોંગ્રેસે પહેલેથી જ વિરોધનો સંકેત આપ્યો

કોંગ્રેસે પરિસીમન બિલનો વિરોધ કરવાની પોતાની સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ કરી છે. સંસદના મોન્સૂન સત્ર પહેલાં યોજાયેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો સરકાર સીમાંકન બિલ લાવશે તો પાર્ટી તેનો વિરોધ કરશે.

શું છે સીમાંકન બિલ?

સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામતનો અમલ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારી કરી છે. તેના ભાગરૂપે સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધારવા માટે પરિસીમન સંબંધિત જોગવાઈઓ ધરાવતું વિધેયક ફરીથી સંસદમાં લાવવાનો વિચાર છે.