રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે તમામ દેશવાસીઓને મારી તરફથી હોળીની હાર્દિક શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર લોકોના જીવનમાં પ્રેમ અને આશાનો સંચાર કરે છે તેમ જ પરસ્પર એકતા અને ભાઈચારો મજબૂત બનાવે છે. મારી કામના છે કે આ પર્વ સૌના જીવનમાં ખુશીઓ લઈને આવે અને આપણે સૌ મળીને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમામ દેશવાસીઓને હોળીની અનંત શુભેચ્છાઓ. રંગ અને ઉમંગથી ભરેલો આ તહેવાર સૌ માટે ખુશીઓની બહાર લઈને આવે. દરેકના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતાના રંગોની વર્ષા થાય — એવી મારી કામના છે.દેશને સંદેશ આપતાં વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણમાં નવી ઊર્જા ભરી દે છે. આ જ આ ઉત્સવની સૌથી મોટી વિશેષતા છે. ચારે તરફ ખુશીઓના રંગો જે રીતે છવાઈ જાય છે, તે દરેકને આનંદ અને ઉત્સાહથી ભરી દે છે.

દેશમાં હોળીનો તહેવાર આવતાં જ ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાય છે. આ ખુશીઓ અને એકબીજાને રંગ લગાવવાનો તહેવાર છે, જેના માટે લોકો આખું વર્ષ રાહ જુએ છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ આપે છે અને ઘરોમાં ગુંજિયા, મઠરી સહિત વિવિધ નાસ્તા બનાવી મહેમાનોને પીરસવામાં આવે છે.

હોળીની સાંજે લોકો પોતાના પરિવારજનો, સગાસંબંધીઓ અને મિત્રો સાથે મળવા તેમના ઘેર જાય છે અને સાથે ભોજન કરે છે. આ તહેવાર સંબંધોમાં નજીકતા વધારતો અને ઘરોમાં ખુશહાલી લાવતો માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ તહેવાર ઊજવવા વિશ્વભરમાંથી લોકો ભારતની વિવિધ જગ્યાઓએ આવે છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરા-વૃંદાવનની હોળી સૌથી વધુ પ્રસિદ્ધ છે.