નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બંધારણની કલમ ૧૧૭(૩) હેઠળ ‘ડિલિમિટેશન (સેકન્ડ) બિલ, ૨૦૨૬’ (Delimitation (Second) Bill, 2026) પર વિચાર કરવા માટે લોકસભાને ભલામણ કરી છે. ૩૦ નવેમ્બરથી શરૂ થનારી સંસદની બેઠક અગાઉ આ એક મહત્ત્વપૂર્ણ બંધારણીય અને પ્રક્રિયાગત મંજૂરી મળી છે. લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ, કાયદા અને સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલે ૨૭ નવેમ્બરે લોકસભા મહાસચિવને મોકલેલા સંદેશ બાદ રાષ્ટ્રપતિએ આ ભલામણ પાઠવી છે.
ભારતીય બંધારણની કલમ ૧૧૭(૩) મુજબ, કોઈ પણબિલ કાયદો બને અને અમલમાં આવે ત્યારે ભારતના સંચિત ભંડોળ (Consolidated Fund of India)માંથી ખર્ચ થવાનો હોય, તો રાષ્ટ્રપતિની ભલામણ વિના કોઈ પણ ગૃહ તેને પસાર કરી શકતું નથી. કેન્દ્રીય મંત્રીમંડળે નવા સુધારેલા કાયદાકીય પેકેજને મંજૂરી આપી તેના બીજા જ દિવસે રાષ્ટ્રપતિની આ મંજૂરી આવી છે. આ પેકેજમાં બંધારણ (૧૩૨મું સુધારા) બિલ, ૨૦૨૬, ડિલિમિટેશન (સેકન્ડ) બિલ, ૨૦૨૬ અને સંબંધિત કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલનો સમાવેશ થાય છે. અગાઉ એપ્રિલમાં રજૂ થયેલા અને લોકસભામાં અટકેલા બિલોને પાછા ખેંચીને સરકાર સોમવારે નવા મુસદ્દા રજૂ કરશે.
કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા આ સુધારેલા પેકેજમાં ત્રણ મુખ્ય જોગવાઈઓ સામેલ છે:
-
૫૦ ટકા એકસમાન વધારો: દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા અને વિધાનસભા બેઠકોમાં ૫૦ ટકાનો વધારો થશે, જેનાથી લોકસભાની મહત્તમ બેઠકો ૫૫૦થી વધીને ૮૫૦ અને વિધાનસભાઓની ૫૦૦થી વધીને ૬૫૦ થશે.
-
નવો આધાર અને ૨૦૫૧ સુધી સ્થિરતા: ૨૦૨૬-૨૭ની વસ્તી ગણતરીની રાહ જોયા વિના ૨૦૧૧ના પ્રકાશિત વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યોની અંદર મતવિસ્તારોનું પુનર્ગઠન થશે, જ્યારે રાજ્યો વચ્ચે બેઠકોનો સાપેક્ષ હિસ્સો ૨૦૫૧ સુધી સ્થિર રાખવામાં આવશે.
-
ઝડપી મહિલા અનામત: ૨૦૨૯ની સામાન્ય ચૂંટણી પહેલાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવા માટે સીમાંકન પંચ સમયસર સીમાઓ નક્કી કરશે.
લોકસભાની ચાર દિવસીય બેઠક ૩૦ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી ચાલશે, જ્યારે રાજ્યસભાની બેઠક ૨ ડિસેમ્બરે અલગથી ફરી શરૂ થશે.




