વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લે એવી શક્યતા છે. ભારત અને અમેરિકા વચ્ચે વધતી વ્યૂહાત્મક ભાગીદારી અને સહકારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની ‘કેમિસ્ટ્રી’ અત્યંત મજબૂત છે. વોશિંગ્ટન ડી.સી.માં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ આ વર્ષના અંત પહેલાં ભારતની મુલાકાત લઈ શકે છે.
ટ્રમ્પના પ્રવાસની તૈયારીઓ ચાલી રહી છે: રુબિયો
તેમણે કહ્યું હતું કે અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આગામી વર્ષની શરૂઆતમાં કોઈ પણ સમયે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત લેશે. ભારત અમેરિકા માટે અત્યંત નજીકનો ભાગીદાર અને સહયોગી દેશ છે. વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે, જે કૂટનીતિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
2020 પછી ટ્રમ્પની પ્રથમ ભારત મુલાકાત બની શકે
જો આ પ્રવાસ યોજાશે, તો ફેબ્રુઆરી, 2020 પછી ટ્રમ્પની આ પ્રથમ ભારત મુલાકાત હશે. બીજા કાર્યકાળ માટે વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ પણ આ તેમની પ્રથમ ભારત યાત્રા રહેશે. ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની છેલ્લી મુલાકાત ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન થઈ હતી, જે છેલ્લા 16 મહિનામાં તેમની પ્રથમ દ્વિપક્ષી બેઠક હતી.

વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો તેજ
આ સંભવિત મુલાકાત એવા સમયે યોજાવાની શક્યતા છે જ્યારે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે દ્વિપક્ષી વેપાર કરાર અંગેની ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું હતું કે ચર્ચા ખૂબ જ સકારાત્મક રીતે આગળ વધી રહી છે. G7 દરમિયાન વડા પ્રધાન મોદી સાથે રાષ્ટ્રપતિની બેઠક ખૂબ સફળ રહી હતી. અમે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની આશા રાખીએ છીએ અને હવે અમે તેના છેલ્લા તબક્કામાં છીએ.




