રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર મોદીને જન્મદિનની આપી શુભેચ્છાઃ PMએ કહ્યું, ‘આભાર મિત્ર’

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કોલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભેચ્છા આપી હતી અને રશિયા તથા યુક્રેન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે આપેલા ટેકા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મિડિયા અકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં કહ્યું હતું કે PM મોદી “જબરદસ્ત કામ” કરી રહ્યા છે.

સામે પક્ષે વડા પ્રધાન મોદીએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન માટે આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને “મારા મિત્ર” કહીને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમની પહેલને સમર્થન આપે છે. “મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની દિશામાં તમારી પહેલને સમર્થન આપીએ છીએ,” એમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રપતિ તરફથી આ શુભેચ્છા એ દિવસે આવી છે જ્યારે અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ દ્વિપક્ષીય વેપાર ચર્ચામાં આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે દિલ્હીમાં હાજર હતા.

બ્રેન્ડન લિન્ચે મંગળવારે પોતાના સમકક્ષ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ સાથે દ્વિપક્ષી વેપાર ચર્ચામાં આગામી પગલાં અંગે સકારાત્મક બેઠક કરી, જેમાં બંને પક્ષોએ પારસ્પરિક લાભકારી વેપાર કરારને વહેલી તકે પૂર્ણ કરવા માટે પ્રયત્નો તેજ કરવાનો નિર્ણય કર્યો હતો.