PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા મંદિરમાં પૂજા, ડેડિયાપાડામાં સભા સંબોધશે

નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગત 31મી ઓક્ટોબરે તેઓ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યાર બાદ તેઓ આજે ફરી રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.દેવમોગરા માતાના કર્યા દર્શન 

PM મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા છે. અહીં તેમણે પૌરાણિક દેવમોગરા મંદિરમાં પાંડોરા માતાની પૂજા-અર્ચના કરી. દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) સ્વયં બિરાજમાન છે. મંદિરનું બાહ્ય સ્વરૂપ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર જેવું ભવ્ય દેખાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર માનવજાત અને પશુ-પક્ષીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. આવા સંકટના સમયે, પ્રજા પાલક ગોર્યા કોઠારએ અન્નનું વિતરણ શરૂ કર્યું. જો કે, સમય જતાં તેમના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા. ત્યારે તેમની પાલક પુત્રી, યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું. ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી.
PM કરી બુલેટ ટ્રેનની સમીક્ષા 

આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત બાદ ડેડિયાપાડા પહોંચ્યા. અહીં 2 કિલોમીટર લાંબા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું.

નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી

સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે. અહીં તેઓ ‘આદિવાસી ગૌરવ દિવસ’ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા છે. તેઓ દેડિયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરશે.

રૂ.7900 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ 

દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદી રૂ.7900 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ લગભગ ચાર વાગ્યા બાદ વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર પર કેન્દ્રિત રહેશે.