બેંગલુરુઃ કર્ણાટકના ગૃહ મંત્રી પ્રિયાંક ખડગે અને યુથ કોંગ્રેસના નેતા મોહમ્મદ નલપાડને RSS વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને લઈને સમન્સ જારી કરવામાં આવ્યા છે. બેંગલુરુની એક અદાલતે 27 જૂને સમન્સ જારી કરીને બંનેને 21 જુલાઈ સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. પ્રિયાંક ખડગે દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અંગે કરાયેલી ટિપ્પણીઓ સામે દાખલ કરાયેલી ફોજદારી માનહાનિની ફરિયાદની સુનાવણી બાદ અદાલતે આ સમન્સ જારી કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંદીપ પાટીલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 356 હેઠળ પ્રિયાંક ખડગે અને મોહમ્મદ નલપાડ સામે ફોજદારી માનહાનિનો કેસ બનતો હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે.
અદાલતે શું કહ્યું?
અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપી નંબર વન પ્રિયાંક ખડગે અને આરોપી નંબર ત્રણ મોહમ્મદ નલપાડ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 356 હેઠળ દંડનીય ગુનાની જાણ લેવામાં આવે છે. કચેરીને આ કેસને ફોજદારી કેસ તરીકે નોંધવાની અને બંને આરોપીઓને સમન્સ જારી કરવાની સૂચના આપવામાં આવે છે. તેમણે 21 જુલાઈ સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે. જોકે અદાલતે કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી દિનેશ ગુન્ડુ રાવ સામે કાર્યવાહી કરવાની ના પાડી છે.
ઓક્ટોબર, 2025ના નિવેદનને લઈને નોંધાયો કેસ
બેંગલુરુના રહેવાસી અને RSS કાર્યકર એ. તેજસે આ ફરિયાદ દાખલ કરી હતી. તેમનો આરોપ છે કે આરોપીઓએ ઓક્ટોબર, 2025 દરમિયાન RSS અને તેના સભ્યોને નિશાન બનાવી અનેક અપમાનજનક નિવેદનો આપ્યાં હતાં. આ ફરિયાદ મુજબ પ્રિયાંક ખડગેએ 4 ઓક્ટોબર, 2025એ કર્ણાટક સરકારને પત્ર લખીને RSSને સરકારી રમતનાં મેદાનો, શાળાઓ અને કોલેજોના ઉપયોગથી રોકવાની માગ કરી હતી. ફરિયાદીનો આરોપ છે કે આ પત્ર જાણીબૂજીને મીડિયામાં જાહેર કરવામાં આવ્યો હતો અને સંસ્થાની બદનામી કરવાના હેતુથી તેને પ્રિયાંક ખડગેએ પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ શેર કર્યો હતો.




