પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર, કહ્યું- વર્ષો સુધી મારી માતા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાની માતા અને કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણો ‘બિલોગિંગ: અ જર્ની ઓફ લવ’ને લઈને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને RSSએ વર્ષો સુધી તેમની માતા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી અને મનઘડંત વાર્તાઓ બનાવી હતી. પ્રિયંકાએ કહ્યું કે હવે તેમની માતા પોતાની કહાની પોતે રજૂ કરી રહ્યાં છે અને તેમને આવું કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

સોનિયા ગાંધીનાં સંસ્મરણોનું પુસ્તક જાહેર થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આ પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખો અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચેરુવાયલ રમણના પરિવાર સાથે મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધીએ ભાજપ અને RSS પર આક્ષેપ કર્યા હતા.તેમણે કહ્યું, “ભારતમાં મારી માતાના સમગ્ર પુખ્ત જીવન દરમિયાન ભાજપ, RSS અને અન્ય ઘણા લોકોએ તેમના વિશે મનફાવે તેમ કહ્યું. તેમણે જૂઠાણાં ફેલાવ્યાં, મનઘડંત વાર્તાઓ બનાવી અને તેમના વિશે અનેક પ્રકારની વાતો કરી. પરંતુ મારી માતા ચૂપ રહ્યાં. હવે તેઓ પોતાની કહાની કહી રહ્યાં છે. તેમને આવું કરવાનો સંપૂર્ણ અધિકાર છે. મને ખુશી છે કે લોકો તેમનું પુસ્તક વાંચી રહ્યા છે.”

કેન્દ્ર સરકાર પર પણ સાધ્યું નિશાન

પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર જનતા પ્રત્યે જવાબદારી ન નિભાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર એવું માને છે કે તે કોઈને પણ જવાબ આપવા માટે બંધાયેલી નથી અને લોકો તેની કામગીરી અંગે સવાલ નહીં કરે. તેમણે કહ્યું કે જ્યારે ખાસ કરીને યુવાનો સરકારને સવાલ પૂછે છે, વિરોધ પ્રદર્શન કરે છે અને જવાબ માગે છે, ત્યારે તેમને માર મારવો, જેલમાં મોકલવા અથવા વિરોધ પ્રદર્શન રોકવા જેવા પગલાં લેવામાં આવે છે.

પ્રિયંકાના જણાવ્યા અનુસાર, લોકશાહીમાં સરકાર જનતા પ્રત્યે જવાબદાર હોય છે. જો મોંઘવારી વધે કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો સરકારે તેનો જવાબ આપવો પડે છે.

લોકશાહી અને વિરોધ પ્રદર્શનના અધિકાર અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દરેક નાગરિકને બંધારણ દ્વારા વિરોધ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

પ્રિયંકાએ જણાવ્યું કે જો વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થાય તો પોલીસ કાયદા અનુસાર કાર્યવાહી કરી શકે છે. પરંતુ જ્યાં સુધી વિરોધ શાંતિપૂર્ણ છે ત્યાં સુધી તેને મંજૂરી મળવી જોઈએ. તેમણે કહ્યું કે વિરોધ રાજ્ય સરકારની નીતિઓ વિરુદ્ધ હોય કે કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ, શાંતિપૂર્ણ વિરોધને રોકવો ન જોઈએ. લોકશાહીમાં લોકોના અવાજ અને તેમના બંધારણીય અધિકારોનું સન્માન થવું જરૂરી છે.

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને લઈને પણ ઉઠાવ્યા સવાલ

પ્રિયંકા ગાંધીએ પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના મુદ્દે પણ કેન્દ્ર સરકારને સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે લોકો ઇંધણ માટે વધારાના પૈસા ચૂકવી રહ્યા છે અને પેટ્રોલમાં ઇથેનોલ પણ ભેળવવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકાર આ બાબતે જવાબદાર નથી શું?તેમણે સરકારની જવાબદારી પર સવાલ ઉઠાવતા કહ્યું કે જનતાને અસર કરતી દરેક નીતિ અને નિર્ણય માટે સરકારને જવાબ આપવો જ પડે છે.

પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ સોનિયા ગાંધીના નવા પુસ્તક અને કેન્દ્ર સરકારની નીતિઓને લઈને રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.