પ્રિયંકા ગાંધી, મારો રાજકીય ઉપયોગ બંધ કરોઃ મિંતાદેવી

પટનાઃ બિહારના સિવાન જિલ્લાના એક નાનકડા ગામ અર્જાનીપુરની ગૃહિણી મિંતાદેવી અચાનક રાષ્ટ્રીય ચર્ચામાં આવી ગઈ છે, કારણ કે  મતદાર યાદીમાં તેમની ઉંમર 124 વર્ષ દર્શાવતાં અને ત્યાર બાદ કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચહેરાવાળો ટી-શર્ટ પહેરીને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. હકીકતમાં મિંતાદેવીની ઉંમર 35 વર્ષ છે, પરંતુ આ અસાધારણ ભૂલ ચૂંટણી રાજકારણમાં મોટો મુદ્દો બની ગઈ. ખુદ મિંતાદેવી આ રાજકીય નાટકથી નારાજ છે અને કહે છે,  મારો ચહેરો ટી-શર્ટ પર છાપીને રાજકારણ ન કરો, ફક્ત મારું મતદાર કાર્ડ ઠીક કરી દો.

સિવાન જિલ્લાના દરૌંધા વિધાનસભા ક્ષેત્રના મતદાર નોંધણીમાં તાજેતરમાં મિંતાદેવીનું નામ સામેલ થયું હતું. આધાર કાર્ડ મુજબ તેનો જન્મ દિવસ 15 જુલાઈ, 1990 છે, પરંતુ નવા જારી થયેલા મતદાર ઓળખપત્રમાં ઉંમર 124 વર્ષ નોંધાઈ ગઈ. મિંતાદેવી કહે છે, મને મતદાર ઓળખપત્ર એક-બે મહિના પહેલાં મળ્યું, પણ મેં ધ્યાનથી જોયું નહોતું. થોડા દિવસ પહેલાં જ્યારે મામલો ચર્ચામાં આવ્યો, ત્યારે કાર્ડ જોયું અને હું હેરાન રહી ગઈ.

તેણે કહ્યું કે તેમણે નોંધણી બ્લોક લેવલ ઓફિસર (BLO)  મારફતે કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ નહોતા થયા. ત્યાર બાદ સાયબર કેફેથી ઓનલાઇન અરજી કરી અને આધાર કાર્ડના આધારે સાચી માહિતી આપી હતી. તેનું કહેવું છે કે ભૂલ ટાઈપિંગ સમયે અથવા પછી થઈ હશે.

જિલ્લા પ્રશાસને આ મામલાને લેખિત ભૂલ ગણાવી સુધારાનું આશ્વાસન આપ્યું છે. દરૌંધાના ચૂંટણી નોંધણી અધિકારીએ (ERO) જિલ્લા ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં કહ્યું હતું કે આધાર કાર્ડની તપાસમાં મિંતાદેવીનો સાચો જન્મ દિવસ 15 જુલાઈ 1990 હોવાનું મળ્યું. સિવાન જિલ્લા જનસંપર્ક કચેરી અનુસાર, 1 ઓગસ્ટ 2025એ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થયા બાદ BLOએ ભૂલ પકડી અને મિંતાદેવીનો સંપર્ક કર્યો. 10 ઓગસ્ટે તેમણે ફોર્મ-8 સબમિટ કર્યું અને હવે નિયમ મુજબ ઉંમરમાં સુધારો કરવામાં આવશે.