હનુમાન અંશ: 452 કરોડની કમાણી કરનારી ફિલ્મના રાઈટ્સ અંગે વિવાદ

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર રૂ. 400 કરોડથી વધુનું કલેક્શન કરીને ચર્ચામાં રહી હતી. જોકે, હવે આ ફિલ્મ તેના બિઝનેસ અને રાઈટ્સને લઈને ચર્ચામાં આવી છે. ફિલ્મની ટીમમાં મતભેદ હોવાની અટકળો વચ્ચે નિર્માતાઓ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

ફિલ્મના અધિકારો અંગે શું કહ્યું?

સોમવારે સ્વંભૂ મીડિયા નેટવર્ક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં નમ્રતા અને વિશાલે પોતાને ફિલ્મના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે ફિલ્મના પબ્લિક રિલેશન્સ, માર્કેટિંગ, એવોર્ડ્સ અને પાર્ટનરશિપ સંબંધિત કામગીરી સંભાળવા માટે તેઓ અધિકૃત છે. સાથે જ ફિલ્મના પ્રતિનિધિ હોવાનો દાવો કરનારા અથવા પોતાની રીતે ફિલ્મના અધિકારો અંગે નિર્ણયો લેનારા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે.

નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ‘હનુમાન અંશ’ની એકમાત્ર અધિકૃત ચેનલ છે. ફિલ્મના થિયેટર, ઓટીટી, બ્રોડકાસ્ટ, મ્યુઝિક, ગેમિંગ અને લાઇસન્સિંગ સહિતના તમામ અધિકારો ચારેય નિર્માતાઓ પાસે સંયુક્ત રીતે છે. આ અંગેના નિર્ણયો પ્રોડક્શન એગ્રીમેન્ટ મુજબ જ લેવામાં આવશે.

નિર્માતાઓએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ એક નિર્માતા પોતાની રીતે ફિલ્મને લગતી બિઝનેસ ડીલ કે અન્ય કોઈ કરાર કરી શકશે નહીં. આવા કોઈપણ નિર્ણયને કંપની અને અન્ય નિર્માતાઓની મંજૂરી વગર માન્ય ગણવામાં આવશે નહીં.

આ ઉપરાંત ફિલ્મની કાસ્ટ અને ક્રૂમાંથી કોઈપણ વ્યક્તિ ઇન્ટરવ્યૂ, પોડકાસ્ટ, પ્રમોશનલ ઇવેન્ટ કે અન્ય જાહેર મંચ પર ફિલ્મનું પ્રતિનિધિત્વ કરવા માગતી હોય તો તેણે પહેલાં ફિલ્મની અધિકૃત કમ્યુનિકેશન ચેનલ પાસેથી મંજૂરી લેવી પડશે. ફિલ્મના ક્રેડિટ્સમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

કોણ છે ફિલ્મના ચાર નિર્માતા?

નિવેદનમાં ફિલ્મના ચારેય નિર્માતાઓનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં નમ્રતા જી. સિંહ, ડૉ. વિશાલ ચતુર્વેદી, રાગિની સોના અને અનુપ્રિયા નગરનો સમાવેશ થાય છે.

નિવેદન અનુસાર, ફિલ્મના ભારતમાં તેમજ વિદેશમાં પબ્લિસિટી, એવોર્ડ્સ, પાર્ટનરશિપ અને અધિકારોને લગતા નિર્ણયો માટે ચારેય નિર્માતાઓની સંમતિ જરૂરી છે.

ટીમમાં મતભેદ હોવાની ચર્ચા

આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ફિલ્મની ટીમમાં આંતરિક મતભેદ હોવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મના પ્રમોશનને લઈને ટીમના સભ્યો વચ્ચે અસંતોષ છે. એક નિર્માતાને અન્યની સરખામણીએ વધુ મહત્ત્વ આપવામાં આવતું હોવાની પણ નારાજગી હોવાનું કહેવાયું હતું.

આ વિવાદ વચ્ચે ફિલ્મની ફ્રેન્ચાઇઝીના આગામી ભાગને લઈને પણ સવાલો ઊભા થયા છે. અત્યાર સુધી નિર્માતાઓએ ફિલ્મના બીજા ભાગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

જોકે, નિર્માતા અનુપ્રિયા નગરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મને ટ્રિલોજી એટલે કે ત્રણ ભાગમાં બનાવવાની યોજના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટીમ ટૂંક સમયમાં બીજા ભાગ માટે ફરી એકસાથે આવશે. પરંતુ હવે નીમ કરોલી બાબાની વાર્તાને આગળ વધારવા અંગે ચારેય નિર્માતાઓના અલગ-અલગ મત હોવાની ચર્ચા સામે આવી રહી છે. આથી ફિલ્મના આગામી ભાગનું ભવિષ્ય શું હશે તે જોવું રસપ્રદ રહેશે.