તામિલનાડુમાં NEET પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર

ચેન્નઈઃ નીટ (NEET) પેપર લીક થયા બાદ આ પરીક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને સૌથી વધુ સવાલ ઉઠાવનારાં રાજ્યોમાં ફરી એક વાર તામિલનાડુનું નામ સામેલ થયું છે. તામિલનાડુ છેલ્લાં ઘણાં વર્ષોથી નીટ પરીક્ષાનો વિરોધ કરતું આવ્યું છે અને હવે ફરી એક વાર રાજ્યમાંથી નીટ નાબૂદ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી છે. તામિલનાડુના આરોગ્ય મંત્રી કે.જી. અરુણરાજે નીટ નાબૂદ કરવાને મુદ્દે રાજ્ય વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બાદમાં પસાર કરવામાં આવ્યો. જોસેફ વિજય સરકાર પહેલાં સ્ટાલિન સરકારે પણ આવો જ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.

નીટ નાબૂદ કરવાનાં આ કારણો આપવામાં આવ્યાં

વિધાનસભામાં નીટવિરોધી પ્રસ્તાવ રજૂ કરતી વખતે મંત્રી અરુણરાજે ‘પેપર લીક, યુવાનોના જીવ ગુમાવવા અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટવા’ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નીટને કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન શાળાના અભ્યાસક્રમમાંથી હટીને માત્ર કોચિંગ પર કેન્દ્રિત થઈ ગયું છે. નીટને કારણે કોચિંગ સેન્ટરોની સંખ્યામાં વધારો થયો છે અને તેઓ ખૂબ ઊંચી ફી વસૂલી રહ્યા છે. તામિલનાડુ સતત ભારપૂર્વક કહે છે કે નીટ સામાજિક ન્યાય, સમાનતા અને રાજ્યોના અધિકારોની વિરુદ્ધ છે.

સીએમ વિજય પણ વિરોધ કરી ચૂક્યા છે

નીટ પેપર લીક બાદ તમિલનાડુના નવા મુખ્ય મંત્રી જોસેફ વિજય ઉર્ફે થલપતિ વિજયે સૌથી આક્રમક વલણ અપનાવ્યું હતું. વિજયે ઘણી વખત કહ્યું છે કે આ પરીક્ષાને કારણે ગરીબ વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓને ધોરણ 12ના ગુણને આધારે મેડિકલ સીટ મળવી જોઈએ.

તામિલનાડુમાં નીટનો વિરોધ શા માટે?

તામિલનાડુમાં અન્ય રાજ્યોની જેમ અગાઉ ધોરણ 12ના ગુણને આધારે જ મેડિકલ સીટમાં પ્રવેશ મળતો હતો, પરંતુ નીટ લાગુ થયા બાદ સમગ્ર વ્યવસ્થા બદલાઈ ગઈ. આ દરમિયાન અનિતા નામની એક ગરીબ યુવતીનું મેડિકલ ડોક્ટર બનવાનું સપનું પણ અધૂરું રહી ગયું. આ યુવતીએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 98 ટકા ગુણ મેળવ્યા હતા, પરંતુ નીટને કારણે તેને સરકારી મેડિકલ સીટ મળી શકી નહોતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. જોકે બાદમાં દૈનિક મજૂર પિતાનું ડોક્ટર બનાવવાનું સપનું પૂરું ન થઈ શકતાં અનીતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાં અને નીટ વિરુદ્ધનું વાતાવરણ વધુ મજબૂત બન્યું હતું.