સીમાંકન બિલથી કેવી રીતે બદલાશે સંસદની તસવીર? ક્યા રાજ્યમાં કેટલી બેઠકો વધશે?

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું છે કે પ્રસ્તાવિત સીમાંકન માળખું ભારતની સંસદીય વ્યવસ્થા અને બેઠકોના ચિત્રને નવો આકાર આપશે. સંસદના વિશેષ સત્ર અગાઉ કેન્દ્રીય મંત્રીમંડળે સીમાંકન અને લોકસભા તથા વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત સાથે જોડાયેલા બંધારણ સુધારા બિલને મંજૂરી આપી છે, જેનાથી રાજકીય ચર્ચા તેજ બની છે.

નવા પ્રસ્તાવિત બિલ મુજબ પ્રથમ સીમાંકન પ્રક્રિયામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વર્તમાન લોકસભા બેઠકોમાં ૫૦ ટકા સુધીનો એકસમાન વધારો કરવાની જોગવાઈ રાખવામાં આવી છે, જેનાથી લોકસભાની કુલ બેઠકો ૫૪૩થી વધીને લગભગ ૮૧૫ની આસપાસ પહોંચી શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની ચિંતા દૂર કરવા માટે તમામ રાજ્યોનો સાપેક્ષ બેઠક હિસ્સો વર્ષ ૨૦૫૧ સુધી યથાવત રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી વસ્તી આધારિત ફેરફારથી કોઈ રાજ્યને નુકસાન ન થાય. અગાઉ એપ્રિલ મહિનામાં રજૂ થયેલું બંધારણ (૧૩૧મું સુધારા) બિલ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે પસાર થઈ શક્યું ન હતું, જેના પગલે સરકાર હવે સંશોધિત સ્વરૂપમાં આ બિલ લાવી રહી છે.

આ બિલ અંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શનિવારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને અપીલ કરી હતી કે તેઓ રાજકીય મતભેદો અને જૂનું વલણ છોડીને મહિલા સશક્તિકરણ માટે આ બિલને સમર્થન આપે. રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાયદામાં દરેક રાજ્ય અને સમુદાયના હિતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આગામી ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે લોકસભા તથા ૨ અને ૩ ડિસેમ્બરે રાજ્યસભાની વિશેષ બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ બિલ પર ચર્ચા અને મતદાન થવાની શક્યતા છે.