આમ આદમી પાર્ટીની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારની બીજી યાદી જાહેર

ચંદીગઢ : પંજાબમાં આગામી 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે શાસક આમ આદમી પાર્ટી (AAP)એ અત્યારથી જ ચૂંટણી જંગનું રણશિંગુ ફૂંકી દીધું છે. ગુરુવારે પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની દિવસભર ચાલેલી લાંબી બેઠક અને સર્વે રિપોર્ટ્સના ગહન મંથન બાદ આમ આદમી પાર્ટીએ 31 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ 31 ઓક્ટોબરે પાર્ટીએ 40 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેની સાથે જ પંજાબની કુલ 117 વિધાનસભા બેઠકોમાંથી અત્યાર સુધીમાં 71 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ બીજી યાદીમાં પાર્ટીએ નવા ચહેરાઓ અને જૂના પાયાના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સર્વેના આધારે 8 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપીને સૌને ચોંકાવી દીધા છે. યાદીમાં સૌથી મોટું નામ સંગરુરના વર્તમાન લોકસભા સાંસદ ગુરમીત સિંહ મીત હેયરનું છે, જેમને પાર્ટીએ ફરી એકવાર બરનાલા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત જાલંધરની ત્રણ મહત્વપૂર્ણ બેઠકો પર પણ ઉમેદવારો નક્કી કરાયા છે, જેમાં જાલંધર સેન્ટ્રલથી નીતિન કોહલી, જાલંધર નોર્થથી વનીત ધીર અને જાલંધર કેન્ટથી દીપક બાલીને ટિકિટ આપવામાં આવી છે.

અન્ય મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો સુજાનપુરથી સ્વર્ણ સલારિયા, પઠાણકોટથી રોહિત સ્યાલ, અમૃતસર નોર્થથી કરમજીત સિંહ રિન્ટુ, રાજાસાંસીથી સોનિયા માન, મજીઠાથી તલબીર સિંહ ગિલ, ફગવાડાથી રાજકુમાર ચબ્બેવાલ અને આદમપુરથી પવન કુમાર ટીનુને ટિકિટ ફાળવવામાં આવી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીના ઘણા મહિનાઓ અગાઉ જ ઉમેદવારોના નામ જાહેર કરીને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને મતવિસ્તારમાં જમીની સ્તરે પ્રચાર અને જનસંપર્ક કરવા માટે પૂરતો સમય આપવા માંગે છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની આપ સરકાર રાજ્યમાં સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહી છે.