પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો દાવ

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. પંજાબ કોંગ્રેસના નવા પ્રભારી અને વરિષ્ઠ નેતા સચિન પાઇલટે ચંડીગઢ ખાતે સ્પષ્ટ જાહેરાત કરી છે કે પાર્ટી પંજાબમાં કોઈ એક નેતાને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રોજેક્ટ નહીં કરે. કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સામૂહિક નેતૃત્વ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

પ્રદેશ પ્રમુખ બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી: સચિન પાઇલટ
ચંડીગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં સચિન પાઇલટે પંજાબ કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરબદલ થવાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન પ્રદેશ પ્રમુખને બદલવાનો હાલ કોઈ સવાલ જ ઊભો થતો નથી. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનું પંજાબ પર ખાસ ફોકસ છે અને ટૂંક સમયમાં રાહુલ ગાંધી પંજાબનો પ્રવાસ પણ કરશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથેની બેઠકને સકારાત્મક ગણાવતા પાઇલટે કહ્યું કે તમામ નેતાઓ એકજૂથ થઈને આગળ વધશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પર તીખા પ્રહારો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પંજાબ પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતાં પાઇલટે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ૨૧ હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સનો મુદ્દો ઉઠાવતાં સવાલ કર્યો હતો કે જેમની નાક નીચે આટલું મોટું દૂષણ પાંગર્યું હોય તે પંજાબના લોકો સમક્ષ કયા મોઢે વાત કરી શકે? આ ઉપરાંત, શિરોમણી અકાલી દલ અને ભાજપના સંભવિત ગઠબંધન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અકાલી દલના ટેકા વગર પંજાબમાં ભાજપનું કોઈ અસ્તિત્વ જ નથી.