ચંડીગઢઃ પંજાબ સરકારે રાજસ્થાનને નદીના પાણીની સપ્લાયના ખર્ચ અને વળતર પેટે રૂ. 1.44 લાખ કરોડ ચૂકવવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. પંજાબ સરકારે અંતિમ પત્ર જારી કરીને ચેતવણી આપી છે કે જો 30 દિવસની અંદર બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે.
મુખ્ય સચિવ કે.પી. સિન્હાએ હરિયાણાના મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીને પત્ર લખીને ભાખરા નહેર સિસ્ટમમાં જાહેર પરિવહન ચેનલોના સંચાલન અને જાળવણી માટે પંજાબને ચૂકવવાના રૂ. 312.59 કરોડની માગ કરી છે. રાજસ્થાનના જળ સંસાધન વિભાગના વધારાના મુખ્ય સચિવને લખેલા પત્રમાં પંજાબે જણાવ્યું હતું કે પાડોશી રાજ્યએ અગાઉ મોકલાયેલા પત્રોની અવગણના કરી છે અને 1961થી 2025 દરમિયાન ઉપયોગમાં લેવાયેલાં નદીનાં પાણી પર રોયલ્ટી ચૂકવી નથી.
રાજસ્થાન 1960 સુધી રોયલ્ટી ચૂકવતું હતું
આ પહેલાં 18 માર્ચ અને ચોથી મેએ રિમાઇન્ડર મોકલવામાં આવ્યાં હતાં. પંજાબનો દાવો બિકાનેર, બહાવલપુર અને પંજાબના શાસકો વચ્ચે 4 સપ્ટેમ્બર, 1920એ શિમલામાં થયેલા જળ-વહેંચણી કરાર પર આધારિત છે. પંજાબના જણાવ્યાનુસાર 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા ત્યાં સુધી રાજસ્થાન રોયલ્ટી ચૂકવતું હતું. તે સમયે પંજાબની નદીઓ મારફતે બિકાનેરને આપવામાં આવતા પાણી પર પ્રતિ એકર પ્રતિ વર્ષ રૂ. 6.50નો ઉપકર વસૂલવામાં આવતો હતો.
Punjab Govt issues a final demand notice of ₹1.44 lakh crores to Rajasthan Govt towards cost and compensation of water supply, Punjab’s claim is based on agreement signed in Shimla in 1920 between Bikaner, Bahawalpur & Punjab; Rajasthan stopped paying royalty post 1960.
OPTICS. pic.twitter.com/xXPByaNu3n
— Ramandeep Singh Mann (@ramanmann1974) August 13, 2026
ભગવંત માને રાજસ્થાન પાસે રોયલ્ટી ચૂકવવાની માગ કરી હતી
આ પહેલાં માર્ચમાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને રાજસ્થાન સરકારને 1960થી ઉપયોગમાં લેવાતી પાણીની બાકી રકમ રૂ. 1.44 લાખ કરોડ ચૂકવવા કહ્યું હતું. માને સવાલ ઉઠાવ્યો હતો કે 1920ના કરાર હેઠળ રાજસ્થાન 18,000 ક્યુસેક પાણી લેવાનું ચાલુ રાખે છે, જ્યારે તેના બદલામાં ચુકવણી કરવાની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે પાડોશી રાજ્યએ કાં તો પોતાની બાકી રકમ ચૂકવવી પડશે અથવા પાણી લેવાનું બંધ કરવું પડશે. તેમણે 1920ના ઐતિહાસિક કરારની સમીક્ષા કરવાની પણ માગ કરી હતી. તે સમયે માને કહ્યું હતું કે હવે આ મુદ્દો વધુ ગંભીર બનશે અને પંજાબ પોતાની માગને ઉચ્ચતમ સ્તરે ઉઠાવશે.




