‘શુદ્ધીકરણ’ વિવાદ: CWCના કેટલાક નેતાઓના વલણથી ‘દુઃખી’ છે ખડગે

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બુધવારે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ સામાન્ય રીતે આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરતા નથી. તેમણે બેઠકમાં હાજર નેતાઓને કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે CWCના ઘણા સભ્યોએ ‘શુદ્ધીકરણ’ના મુદ્દાની ખુલ્લેઆમ નિંદા કરી નહોતી અને તેમનું સમર્થન પણ કર્યું નહોતું.

ખડગે થોડા દિવસ પહેલાં ઉત્તરાખંડના હલ્દવાનીના પ્રવાસ બાદ ત્યાં યોજાયેલા એક ‘શુદ્ધીકરણ હવન’નો ઉલ્લેખ કરી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે શુદ્ધીકરણ હવનનું આયોજન કરનારા લોકો ભાજપ સાથે જોડાયેલા હતા અને કહ્યું હતું કે આ ઘટના જાતિવાદી માનસિકતા દર્શાવે છે.

ભાજપે આ મુદ્દાથી પોતાને અલગ કરી દીધો હતો

બીજી તરફ, ભાજપે આ આયોજનથી પોતાને અલગ કરી દીધો હતો. ખડગેએ આ મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે ક્યારેય દલિત હોવાને કારણે પોતાની સુરક્ષા માટે કોઈને કંઈ કહેવાની જરૂર પડી નથી, પરંતુ શુદ્ધીકરણ કાર્યક્રમથી તેમને અપમાનિત થયાનું અનુભવાયું હતું. CWCની બેઠકમાં ખડગેએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું હતું કે તેમને એ વાતનું દુઃખ છે કે CWCના તમામ સભ્યો અને ખાસ કરીને મિડિયા કવરેજ મેળવતા નેતાઓએ આ મુદ્દે કંઈ કહ્યું નહીં. AICC મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની નિંદા પણ કરી હતી. જોકે બેઠકમાં હાજર લોકોના જણાવ્યાનુસાર ખડગેના હાવભાવ પરથી એવું લાગતું હતું કે તેઓ આ વાતથી બિલકુલ સહમત નહોતા.

ખડગેએ કોઈનું નામ લીધું નહીં

ખડગેએ કોઈ નેતાનું નામ લીધું નહોતું. તેથી કોંગ્રેસના નેતાઓ માત્ર અનુમાન લગાવી રહ્યા છે કે તેઓ કોના તરફ ઈશારો કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે એટલું જરૂર કહ્યું હતું કે કેટલાક નેતાઓ પાર્ટીની વિચારધારાથી વિપરીત નિવેદનો કરવા અને લેખો લખવા માટે ટેવાયેલા છે. બાદમાં CWCમાં થયેલી ચર્ચા અંગે મીડિયાને માહિતી આપતી વખતે વેણુગોપાલે શુદ્ધીકરણ વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટના સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને નિંદનીય હતી. એ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે આ ભાજપની માનસિકતા દર્શાવે છે.