બીજિંગઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એક નિવેદનથી વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ચીનની મુલાકાત પૂરી થયા બાદ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે હવે “એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થા” ખતમ થવી જ જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે એક બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થા જરૂરી છે, જેમાં કોઈ એક દેશનું વર્ચસ ન હોય અને બધા દેશો સમાન હક સાથે ભાગીદારી કરે. પુતિનના આ એલાનથી અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની બાદશાહત (એકહથ્થુ)ને મોટો ખતરો ઊભો થયો છે.
અમેરિકાની દાદાગીરી થશે ખતમપુતિને અમેરિકાનું નામ લીધા વગર કહ્યું હતું કે “એકધ્રુવીય વિશ્વ અન્યાયપૂર્ણ છે, એ સ્પષ્ટ છે. અમે અમારા સંબંધો આ વિચાર પર વિકસાવી રહ્યા છીએ કે દુનિયા બહુધ્રુવીય હોવી જોઈએ, જેમાં બધા દેશો સમાન હોય. તેમણે આ નવી વ્યવસ્થામાં BRICS અને SCO જેવા સંગઠનોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી અને જણાવ્યું હતું કે આ બદલાવ ધીમે-ધીમે આકાર લઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે “BRICS અને SCOમાં કોઈ પણ એ નથી કહી રહ્યું કે આ નવી બહુધ્રુવીય વ્યવસ્થામાં કોઈ નવું વર્ચસ હોવું જોઈએ.
ભારત અને ચીનની પ્રશંસા
પુતિને ભારત અને ચીન જેવા આર્થિક દિગ્ગજોને યાદ કરતાં કહ્યું હતું કે હા, ભારત અને ચીન જેવી મોટાં અર્થતંત્રો છે. અમારો દેશ પણ ખરીદશક્તિ સમાનતાના આધાર પર ટોચના ચાર દેશોમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ દેશ રાજકારણ અથવા વૈશ્વિક સુરક્ષામાં હાવી થઈ જાય.
પશ્ચિમી પ્રતિબંધો અને અમેરિકી ટેરિફ પર નિશાન
પુતિનના આ નિવેદનને યુક્રેન યુદ્ધ પર પશ્ચિમી પ્રતિબંધો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની પૃષ્ઠભૂમિમાં જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભારત અને ચીન પર લગાવાયેલા ટેરિફને લઈને રશિયાએ એકધ્રુવીય વિચારસરણીની ટીકા કરી છે. ભારત પર અમેરિકી ટેરિફ હવે 50 ટકા સુધી પહોંચી ગયો છે, જેમાંથી 25 ટકા વધારાનો શૂલ્ક માત્ર રશિયન તેલ ખરીદવાને કારણે મૂકવામાં આવ્યો છે.


