નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ક્વાડ દેશોની વિદેશ મંત્રીઓની બેઠક બાદ મંગળવારે જણાવ્યું હતું કે ચારેય સભ્ય દેશો વેપાર, આરોગ્ય સેવા અને ડિજિટલ સહકાર જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ દ્વારા સંશોધનને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકશાહી રાષ્ટ્રો તરીકે અમે આતંકવાદના સામૂહિક ખતરા સામે લડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આતંકવાદ પ્રત્યે જરા પણ સહનશીલતા ન હોવી જોઈએ અને આતંકી હુમલાનો ભોગ બનેલા દેશોને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્વાડમાં સામેલ દેશોએ આતંકવાદ સામે એકજૂટ થવું પડશે.
તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ હોય કે સમુદ્રી વેપાર, હિંદ-પ્રશાંત વિસ્તાર વિશ્વ માટે વધુ મહત્વનો બનશે. તેમણે કહ્યું હતું કે ચારેય દેશો વચ્ચેનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે.
ચારેય દેશોના વિદેશ મંત્રીઓ બેઠકમાં જોડાયા
વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ક્વાડ દેશોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો, ઓસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેન્ની વોંગ (Penny Wong) અને જાપાનના વિદેશ મંત્રી ટોશિમિત્સુ મોટેજી (Toshimitsu Motegi) હાજર રહ્યા હતા. ક્વાડ એટલે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો એવો સમૂહ, જે ખાસ કરીને હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલ ભારત આ સમૂહનો અધ્યક્ષ દેશ હોવાથી બેઠકનું આયોજન ભારતે કર્યું હતું. લગભગ એક વર્ષ પહેલાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક વોશિંગ્ટન ડી.સી.માં યોજાઈ હતી. આ બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે હિંદ-પ્રશાંત સમુદ્રી દેખરેખ સહકાર પહેલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હિંદ-પ્રશાંત વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા માત્ર ક્વાડ દેશો માટે જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશો માટે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતનો વિષય છે.
જયશંકરે એકતરફી પ્રતિબંધોની ટીકા કરી
બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન એસ. જયશંકરે ગ્લોબલ સાઉથના રાજદ્વારી સહકારમાં ઝડપ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ ઉપરાંત તેમણે એકતરફી પ્રતિબંધો લગાવવાની નીતિ અને અયોગ્ય ઉપાયો દ્વારા સંવાદ આગળ વધારવાના પ્રયાસોની આકરી ટીકા કરી હતી.




