SITના રિપોર્ટમાં ચંપત રાયની ભૂમિકા પર સવાલ

લખનૌઃ રામ મંદિરના ચઢાવાની ચોરીના કેસની તપાસ કરી રહેલી SITS ચંપત રાય અને અનિલ મિશ્રાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હોવાનું સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે. SITએ પોતાના રિપોર્ટમાં 27 એપ્રિલથી પાંચ જૂન દરમિયાનના CCTV ફુટેજનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે લગભગ 40 દિવસના ફુટેજમાં ચઢાવાની ગણતરીમાં જોડાયેલા લોકો લગભગ 70 વખત ચઢાવામાંથી રૂપિયા ચોરતા જોવા મળ્યા હતા. તપાસમાં પકડાયેલા તમામ લોકોને ચંપત રાય અને અનિલ મિશ્રાની ભલામણ પર જ ગણતરીના કામમાં રાખવામાં આવ્યા હતા. SITનું કહેવું છે કે અનિલ મિશ્રાએ પોતાની નજીકના લોકોને યોગ્ય ચકાસણી કર્યા વગર નોકરી અપાવી હતી.

પકડાયેલા આઠ આરોપીઓમાં ટિન્નુ યાદવ અને સુભાષ શ્રીવાસ્તવ જ ટ્રસ્ટના કર્મચારી હતા, જ્યારે બાકીના લોકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પેરોલ પર હતા. અનિલ મિશ્રા સામે પણ આરોપો છે કે ટ્રસ્ટી બન્યા પછી તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

ટિન્નુ યાદવને આટલી સત્તા કેવી રીતે મળી?

પ્રાપ્ત માહિતી મુજબ ચઢાવામાં સૌથી વધુ ચોરી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવે કરી હતી. ચઢાવાની રકમ રાખવામાં આવતી પેટીઓની ચાવીઓ પણ તેની પાસે જ રહેતી હતી. મંદિરમાં કોને નોકરી આપવી અને ચઢાવાની ગણતરીમાં કોને સામેલ કરવો તેનો નિર્ણય પણ ટિન્નુ યાદવ જ લેતો હતો. મંદિર પરિસરમાં પોલીસ જવાનોની તૈનાતી અંગેનો નિર્ણય પણ તે જ કરતો હતો. આ પરથી તેની પ્રભાવશાળી સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

મે મહિનામાં પ્રથમ વખત ચોરીની શંકા

મે મહિનાના અંતિમ સપ્તાહમાં ચોરીની શંકા જતાં ટ્રસ્ટે નોટોની ગણતરી થતી રૂમમાં કેટલાક ગુપ્ત (Hidden) કેમેરા લગાવ્યા હતા, જેને કારણે ચોરીના પુરાવા સામે આવ્યા હતા. રમાશંકર મિશ્રા સાથે અનુકલ્પ મિશ્રા પણ આ કેસમાં જેલમાં છે. અનુકલ્પને પણ રમાશંકરે જ નોકરી અપાવી હતી. તે છેલ્લાં બે વર્ષથી ચઢાવાની ગણતરીના કામ સાથે જોડાયેલો હતો. ગણતરી પૂર્ણ થયા પછી જ્યારે રકમ બેંકમાં મોકલવામાં આવતી, ત્યારે વાઉચર તૈયાર કરવાની જવાબદારી અનુકલ્પ પાસે હતી.

વાઉચરમાં ગડબડીના પુરાવા મળ્યા

SITને એવા પુરાવા મળ્યા છે કે અનુકલ્પ મિશ્રા વાઉચર બનાવતી વખતે ગેરરીતિ કરતો હતો. તે ચઢાવાની રકમ ઓછી દર્શાવતો અને વધેલી રકમ ગાયબ કરી દેતો હતો. ગણતરીનું કામ મળ્યા બાદ અનુકલ્પે 65 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું હતું અને એક ફાર્મહાઉસ પણ બનાવ્યું હતું. તેણે ભાગવત કથાનું આયોજન કર્યું હતું, જેમાં ચંપત રાય પણ તેના ઘરે ગયા હતા. અનિલ મિશ્રા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.