પટનાઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં નેતા અને બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવીએ શનિવારે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલો ખાલી નહીં કરે. બિહાર સરકારે તેમને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકાર ઘર ખાલી કરાવવા માટે પોલીસ ફોર્સ બોલાવી શકે છે, પરંતુ હું આ આવાસ ખાલી નહીં કરું. બિહાર સરકારે શુક્રવારે જારી કરેલી નોટિસમાં રાબડી દેવીને 10 સર્ક્યુલર રોડ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ બંગલો હવે રાજ્યના પશુપાલન અને મત્સ્ય સંસાધન મંત્રી નંદ કિશોર રામને ફાળવવામાં આવ્યો છે.
સરકારી નોટિસ મુજબ રાબડી દેવીને બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે પહેલેથી જ વૈકલ્પિક સરકારી નિવાસસ્થાન ફાળવવામાં આવ્યું છે. તેમ છતાં, તેમણે હજુ સુધી 10 સર્ક્યુલર રોડનું સરકારી નિવાસસ્થાન ખાલી કર્યું નથી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર, 2025માં વિભાગીય આદેશ હેઠળ હાર્ડિંગ રોડ સ્થિત મકાન નંબર-39 (બીજો માળ) રાબડી દેવીને વિપક્ષના નેતા તરીકે ફાળવવામાં આવ્યું હતું. ત્યાર બાદ 10 સર્ક્યુલર રોડનો બંગલો મંત્રી નંદ કિશોર રામને સોંપવામાં આવ્યો હતો. સરકારે રાબડી દેવીને તાત્કાલિક સર્ક્યુલર રોડનો બંગલો ખાલી કરીને વિપક્ષના નેતા માટે નિર્ધારિત નવા નિવાસસ્થાનનો કબજો લેવા વિનંતી કરી છે. જોકે રાબડી દેવીએ આ માગ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 10 સર્ક્યુલર રોડનો બંગલો લાંબા સમયથી લાલુ પ્રસાદ યાદવના પરિવાર સાથે જોડાયેલો રહ્યો છે. મુખ્ય મંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રાબડી દેવીએ આ જ નિવાસસ્થાનમાંથી શાસન ચલાવ્યું હતું અને આ બંગલો RJDના રાજકારણનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. આ ઘટનાને કારણે બિહારના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવી શકે છે, કારણ કે સરકાર તરફથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને લાલુ યાદવનાં પત્ની રાબડી દેવીને સરકારી નિવાસ ખાલી કરવા માટે ફરી નોટિસ આપવામાં આવી છે, જ્યારે તેમણે સ્પષ્ટપણે તે ખાલી કરવાનો ઇનકાર કર્યો છે.






