ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પર રાબડી દેવીના ગંભીર આરોપો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં બિહાર વિધાનમંડળનો છેલ્લો દિવસ હતો અને આજના દિવસે પણ બંને ગૃહોમાં ભારે હંગામો જોવા મળ્યો. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે રહેલાં રાબડી દેવીએ ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે તેઓ છોકરીઓને હેરાન કરતા હતા. રાબડી દેવીએ સમ્રાટ ચૌધરીને “ગુંડો” પણ કહી નાખ્યા, જેથી CM નીતીશકુમાર સાથે પણ તેમનું વાકયુદ્ધ થયું હતું.

RJD નેતા રાબડી દેવીએ કહ્યું હતું કે સમ્રાટ ચૌધરીને અમે બાળપણથી જોઇએ છે, તે ગુંડાગીરી કરે છે. તે છોકરીઓને હેરાન કરતો હતો અને હવે તે બીજાને ગુંડા કહે છે, જ્યારે પોતે જ ગુંડાગીરી કરે છે.

સમ્રાટ ચૌધરી શું બોલ્યા હતા?
સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે જેનો બાપ ગુનેગાર હોય, તે શું બોલશે? આ નિવેદનને લઈને રાબડી દેવીએ ઉગ્ર પ્રતિસાદ આપ્યો હતો. સરકારના કામકાજ પર પણ રાબડી દેવીએ આક્ષેપ કર્યો હતો કે બિહાર સરકારે રૂ. 70,877 કરોડની યોજનાનું ઉપયોગિતા પ્રમાણપત્ર CAG (કેગ)ને રજૂ કર્યું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર કાંઈ કામ કરતી નથી, ફક્ત કૌભાંડ પર કૌભાંડ કરે છે. તેમણે કહ્યું હતું  કે 2014થી અત્યાર સુધી સતત કૌભાંડ ચાલી રહ્યા છે.

રાબડી દેવીએ તેમના પુત્ર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવની જાનને ખતરો હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમના પુત્ર પર અત્યાર સુધી ચાર વાર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. વોટર લિસ્ટના મુદ્દે પણ વિધાનસભામાં ભારે હંગામો થયો. CM નીતીશકુમારે RJD અને કોંગ્રેસના વર્તન પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.