નવી દિલ્હીઃ દેશમાં NEET-UG (નીટ-યુજી) વિદ્યાર્થી આંદોલનો અને સોશિયલ મિડિયા કન્ટેન્ટ મોડરેશનને લઈને રાજકીય ચર્ચા અને કાનૂની કાર્યવાહી તેજ બની છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધતાં ‘Gen Z’ (યુવા પેઢી)ના દમનનો આરોપ લગાવ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હૈદરાબાદમાં વડા પ્રધાનના આપત્તિજનક અને AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) દ્વારા બનાવાયેલા મોર્ફ્ડ વિડિયો પ્રસારિત કરવાને મામલે મેટા ઇન્ડિયાના વડા અરુણ શ્રીનિવાસ અને અનેક ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસે FIR નોંધાવી છે.

રાહુલ ગાંધીની X પરની પોસ્ટ
હૈદરાબાદમાં FIR અને સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ સામે થઈ રહેલી કાર્યવાહી વચ્ચે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સીધો હુમલો કર્યો. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી અને અમિત શાહ, તમે Gen Zને ડરાવી-ધમકાવીને ચૂપ કરી શકતા નથી. તેમણે આગળ લખ્યું હતું કે પહેલાં તમે તેમની હાડકાં તોડી. હવે તમે FIR નોંધાવી રહ્યા છો અને તેમના એકાઉન્ટ્સ દૂર કરી રહ્યા છો. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે તમે ભારતનો ભૂતકાળ છો. ભારતના ભવિષ્ય સાથે તમે કેવું વર્તન કરો છો, તે અંગે સાવચેત રહો.
PM Modi and Amit Shah – you cannot threaten Gen Z into silence.
First you broke their bones. Now you are filing FIRs and taking down their accounts.
You are India’s past. Be careful about how you treat India’s future.
— Rahul Gandhi (@RahulGandhi) July 31, 2026
હૈદરાબાદમાં મેટા ઇન્ડિયાના વડા અને અનેક હેન્ડલ્સ સામે FIR નોંધાઈ
તેલંગાણાના ભાજપ કાર્યકર ટી. સાંઈકિરણ ગૌડ અને 29 વર્ષીય વ્યવસાયી એસ. અરવિંદ રેડ્ડીની અલગ-અલગ ફરિયાદોને આધારે હૈદરાબાદની સાયબર ક્રાઇમ પોલીસે આ મોટી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. “કોક્રોચ જનતા પાર્ટી”ના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન મોદી વિરુદ્ધ અશ્લીલ, અપમાનજનક અને ભ્રામક મોર્ફ્ડ/AI કન્ટેન્ટ પ્રસારિત કરવાના આરોપસર મેટા ઇન્ડિયાના હેડ અરુણ શ્રીનિવાસ સહિત અનેક હેન્ડલ્સને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદીઓનો આરોપ છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વડા પ્રધાન મોદીની વિકૃત તસવીરો અને વિડિયો પોસ્ટ કરીને જાહેર શિસ્તને ઠેસ પહોંચાડવાનો, નફરત ફેલાવવાનો અને કાયદો-વ્યવસ્થાને અસર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદોને આધારે તપાસ શરૂ કરી છે, જેમાં પોસ્ટ્સ નીચે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ અને AI દ્વારા બનાવવામાં આવેલી કથિત ખોટી સામગ્રી પણ તપાસના દાયરામાં છે.




