રાહુલ ગાંધી અને સોનિયાએ વંદે માતરમ્ પૂરું ગાવાથી રોક્યા?

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. ધ્વજ ફરકાવ્યા બાદ ત્યાં ‘વંદે માતરમ્’નું ગાન શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વંદે માતરમ્ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેઓ વચ્ચે રોકાયા નહીં. સામાન્ય રીતે વંદે માતરમ્‌ની શરૂઆતની માત્ર બે પંક્તિઓ ગાવાનો રિવાજ રહ્યો છે. જોકે કાર્યકર્તાઓને સંપૂર્ણ વંદે માતરમ્ ગાતા જોઈને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેને રોકવા માટે ઈશારો પણ કર્યો હતો. પરંતુ ગાન વચ્ચે રોકાયું નહીં. ભાજપે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી, જ્યારે કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરી છે. પાર્ટીના નેતા જયરામ રમેશે રવીન્દ્રનાથ ટાગોરે કોંગ્રેસને આપેલી સલાહનો પણ ઉલ્લેખ કર્યો હતો.

હકીકતમાં જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વંદે માતરમ્‌નું ગાન વચ્ચે રોકાવવાનો ઈશારો કરી રહ્યા હતા, ત્યારે લાલજી દેસાઈએ તેમને સમજાવીને ગાન પૂર્ણ કરાવ્યું હતું. ત્યાર બાદ પણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સેવા દળના પૂર્વ અધ્યક્ષ લાલજી દેસાઈ સાથે અસહમતિr વ્યક્ત કરતા ચર્ચા કરતાં જોવા મળ્યા હતા. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા બાદ જયરામ રમેશે આ અંગે સ્પષ્ટતા કરી હતી.

વંદે માતરમ્ને લઈને ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમ્ ગાવાથી રોકવામાં આવ્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર દરમિયાન પણ વંદે માતરમ્ ગાવાથી રોકવામાં આવ્યું હતું. એ સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપવા લાલ કિલ્લા પર ન પહોંચ્યા તે પણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

રવીન્દ્રનાથ ટાગોરની સલાહનો ઉલ્લેખ

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે 28 ઓક્ટોબર, 1937એ કલકત્તામાં ‘વંદે માતરમ્’ને લઈને કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક મળી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સલાહ આપી હતી કે બેઠકોમાં ‘વંદે માતરમ્’ની માત્ર શરૂઆતની પંક્તિઓ જ ગાવામાં આવવી જોઈએ.