નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો હતો કે તેમની વ્યવસ્થા વિદ્યાર્થીઓને આગળ વધારવાને બદલે તેમને ‘અંધભક્ત’ બનાવવા માગે છે. તાજેતરમાં શરૂ કરેલા પોડકાસ્ટમાં ઇન્દોરમાં યોજાયેલી ‘વિદ્યાર્થીઓની ગૂંજ’ રેલીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં તેમણે સમજાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતો અને શિક્ષણ સાથે જોડાયેલા મુદ્દાઓ શા માટે મહત્ત્વપૂર્ણ છે.
રાહુલ ગાંધીએ પોડકાસ્ટમાં વધુમાં કહ્યું હતું કે આદિવાસી વિદ્યાર્થીઓની હોસ્ટેલ સાથે જોડાયેલા મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને લખેલો પત્ર અને મધ્ય પ્રદેશમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 27 ટકા અનામતને મુદ્દે મુખ્ય મંત્રીને લખેલો પત્ર વાંચો. તેમણે કહ્યું હતું કે મતચોરી અંગેની મારી પ્રેસ કોન્ફરન્સ પણ જુઓ, જેમાં મેં જ્ઞાનેશ કુમારને રાજીનામું આપીને સરકારી સાક્ષી બનવાની માગ કરી હતી.
RSS-ભાજપ પર વરસ્યા રાહુલ ગાંધી
ઇન્દોરમાં યોજાયેલી ‘વિદ્યાર્થીઓની ગૂંજ’નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આરએસએસ અને ભાજપના નેતૃત્વમાં દેશની સંસ્થાઓ પર કબજો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યાનુસાર વ્યવસ્થાને અંધભક્તો જોઈએ છે, વિદ્યાર્થીઓ નહીં, કારણ કે વિદ્યાર્થીઓ સવાલો પૂછે છે અને વ્યવસ્થાને અસહજ સ્થિતિમાં મૂકે છે. રાહુલ ગાંધીએ સત્યનિકેતનની દુર્ઘટના, શિક્ષણના બજેટમાં કાપ, હોસ્ટેલની અછત, પરીક્ષાઓમાં વિલંબ, અટકેલી ભરતી અને પાયાની સુવિધાઓના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાસિકમાં મેં ભૂખ હડતાળ પર બેઠેલા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. હોસ્ટેલના નિયમો અને પરિસ્થિતિઓ સામે તેઓ જે વિરોધ કરી રહ્યા હતા, તેને લઈને મેં દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો હતો. તેના તુરંત બાદ હોસ્ટેલમાં પ્રવેશ માટેની વયમર્યાદા પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં એમપીએસસીની પરીક્ષાઓમાં અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ તેમણે પોતાનું સમર્થન આપ્યું હતું.






