850 બેઠકના સીમાંકન પ્લાનને રાહુલ ગાંધીએ રાજકીય કાવતરું ગણાવ્યું

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન (Delimitation) બિલ પર આકરા પ્રહાર કર્યા છે. દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે લોકસભાની બેઠકો વધારીને ૮૫૦ કરવાની યોજના એ ભારતના રાજકીય નકશાને ફરીથી આકાર આપવા અને સત્તા ટકાવી રાખવા માટેનું ભાજપનું એક રાજકીય કાવતરું છે.રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સીમાંકન લાગુ કરવા માટે મહિલા અનામતનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. તેમણે દલીલ કરી હતી કે સંસદમાં ૩૩ ટકા મહિલા અનામત બિલ અગાઉથી જ પસાર થઈ ચૂક્યું છે અને તેને લોકસભાની વર્તમાન બેઠક સંખ્યામાં પણ સરળતાથી લાગુ કરી શકાય તેમ છે. આ ઉપરાંત તેમણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું.

આસામ, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી સીમાંકન પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે પ્રસ્તાવિત કાયદાથી ભાજપને પોતાના ચૂંટણી હિત મુજબ દેશનો રાજકીય નકશો બદલવાની તક મળી જશે. તેમણે યુવા મતદારો અને ખાસ કરીને ‘Gen Z’ને સંદેશ આપતા કહ્યું કે તેઓ ‘850’નો આંકડો યાદ રાખે, કારણ કે આ પગલું લોકશાહી માટે મોટો ખતરો છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપક્ષ આ બિલનો પૂરી તાકાતથી વિરોધ કરશે.