નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે ઘમસાણ ચાલી રહ્યું છે. આવા સમયમાં રાહુલ ગાંધીએ વ્યૂહરચના બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. લોકસભાના નેતા વિરોધ પક્ષના રાહુલ ગાંધીએ કોંગ્રેસના લોકસભા સાંસદોની રિવ્યુ મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તેમણે ફરી એક વાર SIR મુદ્દાનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ બેઠકમાં સૌથી વધુ ચર્ચાનો વિષય શશી થરૂરની ગેરહાજરી રહ્યો હતો. હા, રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં શશી થરૂર ઉપસ્થિત રહ્યા નહોતા.
લોકસભા એટલે કે નીચલા ગૃહમાં કોંગ્રેસના 99 સાંસદ છે. આ બેઠકમાં સંસદમાં ચાલી રહેલી કાર્યવાહી અને વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસના સ્ટેન્ડ અંગે ચર્ચા થઈ હતી. કયા મુદ્દાઓ પર સરકારને ઘેરવી તે વિશે પણ ચર્ચા થઈ હતી. સાંસદોની બેઠકમાં રાહુલ ગાંધીએ SIR મુદ્દાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેમની આ મહેનત સફળ રહી છે.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં મત ચોરી અને SIR પર જે રીતે પ્રદર્શન કર્યું છે, તેની અસર સત્તા પક્ષ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. અમિત શાહ ગભરાયેલા છે અને તે સંસદ ભવનમાં પણ જણાયું હતું.
રાહુલની બેઠકમાંથી શશી થરૂર ગેરહાજર કેમ?
રાહુલ ગાંધીની આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂર હાજર નહોતા. તેમની તરફથી કહેવામાં આવ્યું કે તેમણે પહેલેથી જ પાર્ટીને જાણ કરી દીધી હતી કે તેઓ બેઠકમાં હાજર રહી શકશે નહીં. જોકે કોંગ્રેસ પાર્ટી કંઈક જુદું કહી રહી છે. કોંગ્રેસના ચીફ વ્હિપ કે. સુરેશે જણાવ્યું કે તેમને શશી થરૂરની ગેરહાજરી વિશે કોઈ જાણ નથી. તેમણે કહ્યું હતું કે શશી થરૂર કેમ નથી આવ્યા તે મને શું ખબર? તેઓ તો સંસદમાં આવે છે, તમે જ તેમને પૂછો કેમ નથી આવ્યા.


