નવી દિલ્હી: બુધવારે સંસદ પરિસરમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ. રાહુલ ગાંધીએ બિટ્ટુ પર આકરા પ્રહાર કરતાં તેમને “ગદ્દાર” કહ્યા હતા, જેના જવાબમાં ભાજપના નેતાએ તરત જ પ્રતિ પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમની “દેશના દુશ્મનો” સાથે કોઈ લેવાદેવા નથી.
મારા ગદ્દાર મિત્ર, ચિંતા ન કરો, ફરી કોંગ્રેસમાં આવી જાઓ
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ મકર દ્વાર પર વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદોની બાજુમાંથી પસાર થયા, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જુઓ, અહીંથી એક ગદ્દાર પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ
રાહુલ ગાંધીએ બિટ્ટુ સાથે હાથ મિલાવવાની કોશિશ કરતાં કહ્યું હતું નમસ્તે ભાઈ, મારા ગદ્દાર મિત્ર. ચિંતા ન કરો, તમે પાછા (કોંગ્રેસમાં) આવી જાઓ.રવનીત સિંહ બિટ્ટૂ અગાઉ કોંગ્રેસમાં હતા અને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. બાદમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા.
કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના દુશ્મન… કહીને સંબોધ્યા હતા. કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતાં તેમણે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ એવા લોકો સાથે કોઈ સંબંધ રાખતા નથી, જેમને તેઓ દેશનો દુશ્મન માને છે. બંને નેતાઓ વચ્ચે ગરમાગરમ વાદવિવાદ જોવા મળ્યો અને પછી બંને આગળ વધી ગયા.
કોંગ્રેસ સાંસદોએ સંસદની સીડીઓ પર વિરોધ પ્રદર્શન કર્યું
‘PM સમજૂતી કરી ચૂક્યા છે’ લખેલાં પોસ્ટરો સાથે કોંગ્રેસના સાંસદોને ભારત-અમેરિકા વેપાર કરારને લઈને સંસદની સીડીઓ પર વિરોધ પ્રદર્શન કરતાં જોવામાં આવ્યા. મંગળવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વેપાર કરાર અંગે મીડિયા સાથે વાત કરતાં આ જ આરોપ લગાવ્યો હતો.




