રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે, આદિવાસીઓના શિક્ષણ પર મૂક્યો ભાર

વડોદરા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. શહેરના એરપોર્ટથી “આદિવાસી અધિકાર બંધારણ પરિષદ”માં  ભાગ લેવા માટે સીધા પહોંચી ગયા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઘટતા જતા વન વિસ્તાર અને આદિવાસી સમુદાયોને મુખ્ય પ્રવાહમાં સામેલ ન કરવા બદલ સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સરકારને એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવાની સલાહ આપી, જે આદિવાસી બાળકોની ભાગીદારી વધારે અને જંગલો પર આદિવાસી શાસન સુનિશ્ચિત કરે. તેમણે ભાર મૂક્યો હતો કે વિકાસ હેતુ માટે સંપાદિત જમીન પર આદિવાસી સમુદાયોનો નિયંત્રણ હોવો જોઈએ.

રાહુલ ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, બિરસા મુંડાજી સામે હાથ જોડે છે પણ પાવર આપવાનો કે ધન આપવાનો સમય આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. કોંગ્રેસે મનરેગા યોજના શરૂ કરી હતી. થોડા દિવસ પહેલા કેરળમાં મારી વાતચીત થઈ. આદિવાસીઓને, દલિતોને ફ્રીમાં આપવામાં આવે છે તે ક્યારે બંધ થશે?. મેં તેમને જવાબ આપ્યો કે, જે દિવસે અદાણી જેવા લોકોને ફ્રીમાં આપવાનું બંધ થશે એ દિવસે આદિવાસીઓને ફ્રીમાં મળતું બંધ થઈ જશે. મનરેગામાં ફ્રીમાં કંઈ નથી મળતું મજૂરી કરીને પૈસા આપવામાં આવે છે અને તેને ફ્રી કહેવામાં આવે છે. અદાણીજીના લાખો-કરોડ માફ કરવામાં આવે છે તે ફ્રી નહીં વિકાસ છે. ભાજપ કોની પ્રગતિ કરે છે? 90 ટકા પ્રજાની કે 500-1000 લોકોની. કોનો વિકાસ થઈ રહ્યો છે? ગરીબોનો ખેડૂતોનો? કે અબજપતિઓનો?ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આજની મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે સંવાદ કરવાના છે.