રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને ઘેર્યા

દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના નિવેદન પર આકરા પ્રહારો કરતા મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ પર નિશાનો સાધતા કહ્યું કે, કેન્દ્ર સરકારના મંત્રીઓનું કહેવું છે કે દિલ્હી પોલીસની પ્રશંસા થવી જોઈએ. સંસદથી માત્ર અડધા કિલોમીટરના અંતરે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવામાં આવી અને ખીલીઓ લગાવેલી લાઠીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ હિંસામાં એક બાળકે આંખ ગુમાવી અને એક છોકરીનો કાન કપાઈ ગયો. શું આપણે આ બર્બરતાની પ્રશંસા કરવી જોઈએ?

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, “હું પોતે તે ઈજાગ્રસ્ત બાળકોને મળ્યો છું. આખા દેશે હજારો વિડિયોઝ જોયા છે. આ સરકારનો મૂળ મંત્ર જૂઠ અને હિંસા છે. પહેલા બાળકોને લાઠીઓથી પીટો અને પછી દાવો કરો કે કાંઈ થયું જ નથી. સમગ્ર સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષથી બચતા રહ્યા અને પ્રધાનમંત્રીએ આજ સુધી વિદ્યાર્થીઓની માફી માંગી નથી. સત્ય એ છે કે આ દેશ માટે સૌથી મોટો ખતરો એવા બિનસમજુ લોકોથી છે જે ના તો પોતાની ભૂલો જુએ છે અને ના તો ભૂલ થયા પછી તેને સ્વીકારે છે. દેશના બાળકો સાથે જૂઠ્ઠું ન બોલો, તેમની પાસે પણ આંખો અને યાદો છે.”

કિરેન રિજિજુએ કરી હતી દિલ્હી પોલીસની પ્રશંસા

આ પહેલાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં દિલ્હી પોલીસ અને વહીવટીતંત્રનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી કે કોઈનું હાડકું તૂટ્યું નથી. ગંભીર ઈજાના કારણે કોઈ પણ પ્રદર્શનકારી હોસ્પિટલમાં ભરતી નથી. આ આંદોલનમાં હજારો લોકો સામેલ હતા અને વિદ્યાર્થીઓના વેશમાં કેટલાક અસામાજિક તત્વો અને ગુનેગારો ઘૂસી આવ્યા હતા જેમણે અન્ય લોકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા, છતાં કોઈનો જીવ ગયો નથી. રિજિજુએ વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હી પોલીસ અને પ્રશાસનની પ્રશંસા થવી જોઈએ કે તેમણે આટલા મોટા વિરોધ પ્રદર્શનને કોઈ પણ ગંભીર ઈજા વગર સંભાળ્યું. કોંગ્રેસના શાસનકાળમાં તો ગોળીબારથી હજારો લોકોના મોત થયા હતા. પ્રદર્શન દરમિયાન દિલ્હી પ્રશાસને એક પણ લાઠી ચલાવી નહોતી; પ્રદર્શનકારીઓને ત્યારે જ રોકવામાં આવ્યા જ્યારે તેઓ બળજબરીથી સંસદ તરફ આગળ વધવા લાગ્યા હતા.