PM પદના ઉમેદવાર અંગે કોંગ્રેસ-TVK સામસામે

વર્ષ 2029ની લોકસભા ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે, પરંતુ વિપક્ષી ખેમામાં વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. તમિળનાડુમાં નવી સરકાર બનાવ્યાના ગણતરીના મહિનાઓમાં જ તમિળગા વેટ્રી કઝગમ (TVK) અને કોંગ્રેસ વચ્ચે પીએમ પદના ચહેરાને લઈને મોટો તિરાડ પડી છે. TVK પોતાના સુપ્રીમો અને તમિળનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજયને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરી રહી છે, જેની સામે કોંગ્રેસે આકરો વાંધો ઉઠાવ્યો છે.

દક્ષિણ ભારતના ચહેરા તરીકે વિજયનું પ્રોજેક્શન

TVKના નેતાઓ અને તમિળનાડુ સરકારના મંત્રીઓ આધવ અર્જુન તથા ડી. સરથકુમારે દેશમાં એવો માહોલ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે કે 2029માં દેશનું નેતૃત્વ દક્ષિણ ભારતનો કોઈ ચહેરો કરે. પાર્ટી દ્વારા વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દર્શાવતા પોસ્ટરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીને કોંગ્રેસ પોતાના રાષ્ટ્રીય નેતૃત્વનું અપમાન ગણાવી રહી છે.

કોંગ્રેસની મંત્રીમંડળમાંથી રાજીનામાની ધમકી

TVKના આ વલણ સામે કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે. તમિળનાડુના પ્રવાસન મંત્રી અને કોંગ્રેસ નેતા એસ. રાજેશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે 2029ની ચૂંટણીમાં રાહુલ ગાંધી જ પીએમ પદના એકમાત્ર સર્વસ્વીકૃત ઉમેદવાર છે. જો TVK રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવા તૈયાર ન હોય તો સરકારમાં સામેલ કોંગ્રેસના બંને મંત્રીઓ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેશે.બીજી તરફ, TVKના નેતાઓએ પણ પલટવાર કરતાં ચિમકી આપી છે કે જો વિજયનું નેતૃત્વ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ પોતાનું સમર્થન પાછું ખેંચીને તમિળનાડુ સરકાર પાડી દેશે.

‘ફેન ક્લબ માનસિકતામાંથી બહાર આવે TVK’: કોંગ્રેસ

તમિળનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માણિકમ ટાગોર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમે TVKના નેતાઓની ટીકા કરતાં કહ્યું કે તેઓ હજુ સુધી પોતાના કેડરની ‘ફેન ક્લબ માનસિકતા’માંથી બહાર આવી શક્યા નથી. એક રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસ પોતાના કેન્દ્રીય નેતૃત્વ પર પ્રાદેશિક પક્ષોને હાવી થવા દેશે નહીં. ઉલ્લેખનીય છે કે તમિળનાડુમાં સરકાર ટકાવી રાખવા માટે TVKને કોંગ્રેસના ધારાસભ્યોના ટેકાની જરૂર છે. આવા સમયે વિજયને પીએમ પદના દાવેદાર ગણાવીને રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીના પ્રભાવને ઓછો કરવાનો પ્રયાસ કોંગ્રેસ માટે અસહ્ય બની રહ્યો છે.