નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ પ્રદર્શન મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી એવાં કાર્યોનું સમર્થન કરે છે, જે વૈશ્વિક મંચ પર ભારતની છબિને નુકસાન પહોંચાડે છે.
રાહુલ ગાંધીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કહેતા સાંભળાઈ રહ્યા છે કે AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ “કામ કરી દીધું.” આ વિડિયો વાયરલ થયા બાદ ભાજપ લોકસભાના વિરોધ પક્ષના નેતા પર આક્રમક બન્યો છે.
ભાજપ IT સેલના વડા અમિત માલવીયે રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન થયેલા વિવાદાસ્પદ પ્રદર્શનને સમર્થન આપ્યું અને તેના પર ગર્વ વ્યક્ત કર્યો. અમિત માલવીયે વિડિયો ક્લિપ શેર કરીને દાવો કર્યો હતો કે વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું “કર દીધું કામ યુથ કોંગ્રેસવાળાએ…” તેમનો દાવો છે કે આ ટિપ્પણી તે ઘટનાના પછી આવી, જ્યારે યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કર્યું અને કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે આવાં પ્રદર્શનોથી વિશ્વ સમક્ષ ભારતની છબિને નુકસાન થાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે વિશ્વભરના અગ્રણી ટેક નિષ્ણાતો, નીતિનિર્માતાઓ અને ઇનોવેટર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય પર ચર્ચા કરવા એકત્ર થયા હતા, ત્યારે કોંગ્રેસને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અશાંતિ અને અશોભનીય પ્રદર્શન જ યોગ્ય લાગ્યું?




