“દરેક FIR મારા માટે મેડલ સમાન, મારો ટાર્ગેટ 100નો છે”: રાહુલ ગાંધી

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને પોલીસ પર તીખો કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની સામે નોંધાયેલી દરેક FIR તેમના માટે એક “મેડલ” સમાન છે અને હવે તેમનો ટાર્ગેટ 100 FIR પૂરી કરવાનો છે.શું છે સમગ્ર મામલો?

ચૂંટણી પંચના નિર્ણયો અને સુધારા પ્રક્રિયાઓ સામે INDIA ગઠબંધનના સાંસદો દ્વારા નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચ કાર્યાલય તરફ માર્ચ યોજવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે આકાશવાણી ભવન અને તેની આસપાસ વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના વરિષ્ઠ વિપક્ષી નેતાઓ સામે કેસ નોંધ્યો હતો.

“45 FIR થઈ ચૂકી છે, 100 કરવાનો લક્ષ્યાંક”

દિલ્હી પોલીસની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે,

“મારી સામે અત્યાર સુધીમાં 45 FIR દર્જ થઈ ચૂકી છે. મારો લક્ષ્યાંક 100 FIR સુધી પહોંચવાનો છે. મારી સામે નોંધાતી દરેક FIR દેશની લોકશાહી અને બંધારણ બચાવવાની લડાઈમાં મને મળેલું એક મેડલ છે.”

તેમણે ઉમેર્યું હતું કે વિપક્ષી નેતાઓ આવી FIR કે પોલીસ કાર્યવાહીથી ડરવાના નથી અને જંતરમંતર ખાતે તેમનો વિરોધ આંદોલન વધુ મજબૂતીથી ચાલુ રહેશે.

INDIA ગઠબંધનનું આક્રમક વલણ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી પક્ષોએ પણ એકસૂરે ચૂંટણી પંચ સામે મોરચો મંડ્યો છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રહીને કામ કરવાને બદલે પક્ષપાતી નિર્ણયો લઈ રહ્યું છે. રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.