રાહુલ ગાંધીએ SCના ચુકાદાને ક્રૂર અને અદૂરદર્શી ગણાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી–NCRમાં રખડતા કૂતરાઓને રસ્તાઓ પરથી હટાવીને શેલ્ટરમાં રાખવામાં આવે. SCના આ આદેશનો વિરોધ સોશિયલ મિડિયાથી લઈને દેશના અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે. હવે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ પર પ્રતિક્રિયા આપતાં આ નિર્ણયને ‘ક્રૂર અને અદૂરદર્શી’ ગણાવ્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદન પછી આ મુદ્દે નેતાઓમાં અલગ-અલગ મંતવ્યો છે.

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને આ મુદ્દે પોતાના વિચારો શેર કર્યા. તેમણે લખ્યું હતું કે દિલ્હી–NCRમાંથી બધા રખડતા કૂતરાઓને હટાવવાનો SCનો આદેશ દાયકાઓથી ચાલતી માનવતાવાદી, વિજ્ઞાન આધારિત નીતિથી એક પગલું પાછળ છે. આ મૂંગા આત્માઓ એવી સમસ્યા નથી કે જેમને મારી નાખવા જોઈએ. શેલ્ટર, વંધ્યીકરણ, રસીકરણ અને સમુદાયની સંભાળથી ક્રૂરતા વિના રસ્તાઓને સુરક્ષિત રાખી શકાય છે. તેમણે આગળ કહ્યું હતું કે આવા નિર્ણયો ક્રૂર, અદૂરદર્શી’ છે અને તે આપણી અંદરથી દયાળુતા ખતમ કરે છે.

વિરોધ પક્ષના નેતાઓના જુદાં-જુદાં મંતવ્યો

સુપ્રીમ કોર્ટના આ આદેશ પર વિરોધ પક્ષના અન્ય નેતાઓએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે SCના આદેશનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ ગંભીર અને નક્કર કાર્યવાહીનો પ્રારંભ થાય તેવી આશા છે. જ્યારે TMC સાંસદ સાકેત ગોખલેએ આ આદેશને મનસ્વી ગણાવ્યો હતો, જે કોઈ મોટા પરામર્શ પ્રક્રિયા વિના પસાર કરવામાં આવ્યો છે. તેમણે X પર લખ્યું હતું કે રખડતા કૂતરાઓનું સંચાલન અને લોકોની સુરક્ષા નિશ્ચિત રૂપે ચિંતાનો વિષય છે. પરંતુ આ એવી વસ્તુ નથી કે જેને ન્યાયપાલિકા મનસ્વી આદેશોથી ઉકેલી શકે. સંરક્ષણવિહોણા પ્રાણીઓ સાથેની ક્રૂરતા કોઈ ઉકેલ નથી બની શકતી.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના અધિકારીઓને આઠ અઠવાડિયામાં રખડતા કૂતરાઓને રસ્તાઓ પરથી હટાવીને શેલ્ટરમાં સ્થાનાંતરિત કરવાના નિર્દેશ આપી છે. કોર્ટે એ પણ ચેતવણી આપી છે કે આ અભિયાનમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ સંસ્થાના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.