મતચોરીને મુદ્દે રાહુલનો ચૂંટણી પંચ પર હુમલો જારી

પટનાઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર હુમલાનો સિલસિલો ચાલુ છે. રાહુલે સોમવારે મતદાર યાદીની વિશેષ ગહન પુનરીક્ષા (SIR)ને મતચોરીનું એક નવું હથિયાર ગણાવ્યું અને ‘એક વ્યક્તિ, એક મત’ના સિદ્ધાંતની રક્ષા કરવાનો સંકલ્પ લીધો. તેમણે આ ટિપ્પણી પોતાના વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટમાં કરી હતી, જેમાં તેમણે એવા લોકોને લઈને વાત કરી હતી જેમણે છેલ્લી લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું, પરંતુ બિહારમાં SIR પ્રક્રિયામાં તેમનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. આ છે ચોરીના જીવંત’ પુરાવા

રાહુલ ગાંધી રવિવારે સાસારામમાં મત અધિકાર યાત્રાના શુભારંભ પ્રસંગે આ જૂથ સાથે મળ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ બેઠકની એક તસવીર સાથે હિન્દીમાં લખેલી પોસ્ટમાં જણાવ્યું કે SIR મતચોરીનું નવું હથિયાર છે. સંયોગથી આ તસવીરમાં મારી બાજુમાં ઊભેલા આ લોકો આ ચોરીના જીવંત પુરાવા છે. તેમણે કહ્યું હતું કે આ તમામે 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો, પરંતુ બિહાર વિધાનસભા ચૂંટણી આવતાં-આવતાં, ભારતના લોકતંત્રમાંથી તેમની ઓળખ, તેમનું અસ્તિત્વ મટી ગયું છે.

તેમણે કહ્યું  હતું કે શું તમને ખબર છે કે આ લોકો કોણ છે? રાજમોહન સિંહ (70)- ખેડૂત અને નિવૃત્ત સૈનિક, ઉમરાવતી દેવી (35)- દલિત અને મજૂર, ધનંજય કુમાર બિંદ (30)- પછાત વર્ગ અને મજૂર, સીતા દેવી (45)- મહિલા અને ભૂતપૂર્વ મનરેગા મજૂર, રાજુ દેવી (55), મોહમ્મદુદ્દીન અંસારી (52), અલ્પસંખ્યક અને મજૂર. રાહુલે કહ્યું કે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભાગત તેમને બહુજન અને ગરીબ હોવાની સજા આપી રહી છે, એટલું જ નહીં, આપણા સૈનિકોને પણ બખ્શવામાં નથી આવ્યા.

તેમણે કહ્યું હતું કે હવે તેમની પાસે ન તો મત હશે, ન તો ઓળખ કે અધિકાર. સામાજિક ભેદભાવ અને આર્થિક પરિસ્થિતિઓને કારણે તેઓ વ્યવસ્થાના ષડયંત્ર સામે લડવામાં અસમર્થ છે. અમે એક વ્યક્તિ, એક મતના સૌથી મૂળભૂત અધિકારની રક્ષા માટે તેમની સાથે ઊભા છીએ. આ અધિકારો અને લોકશાહીમાં સૌની ભાગીદારીનો પ્રશ્ન છે, અને અમે તેને કોઈ પણ સ્થિતિમાં સમાપ્ત થવા નહીં દઈએ.