લખનૌઃ ઉત્તર પ્રદેશ વિજિલન્સ વિભાગે આવક કરતાં વધુ સંપત્તિના મામલે આગ્રામાં તહેનાત રહી ચૂકેલા ભૂતપૂર્વ આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (ARTO) લલિતકુમારના લખનૌ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન અધિકારીઓને 1.62 કરોડ રૂપિયા રોકડા, 13 કિલો સોનું, નવ કિલો ચાંદી અને અંદાજે 35 કરોડ રૂપિયાની સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળ્યા હતા. સત્તાવાર નિવેદન અનુસાર અદાલતમાંથી સર્ચ વોરંટ મળ્યા બાદ વિજિલન્સની ટીમે મંગળવાર અને બુધવારે લલિતકુમારના ઘરે તલાશી લીધી હતી. તપાસમાં અગાઉથી જ ખુલાસો થયો હતો કે લલિતકુમારે પોતાની કાયદેસરની આવક કરતાં ઘણી વધારે સંપત્તિ એકત્ર કરી હતી. ત્યાર બાદ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આ કેસની તપાસ ઉત્તર પ્રદેશ વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટની લખનૌ સેક્ટર ટીમ કરી રહી છે.
ઘરમાંથી મળ્યું 13 કિલો સોનું
લખનૌના અલીગંજ વિસ્તારની ચંદ્રલોક કોલોનીમાં આવેલા લલિતકુમારના ઘરે તપાસ દરમિયાન અધિકારીઓને ઘરના વિવિધ ભાગોમાં પેકેટોમાં છુપાવી રાખેલા અંદાજે 1.62 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. ઉપરાંત ટીમે લગભગ 13 કિલો સોનું અને નવ કિલો ચાંદી પણ જપ્ત કરી હતી. સરકાર દ્વારા અધિકૃત મૂલ્યાંકનકર્તાએ જપ્ત કરાયેલા સોનું, ચાંદી અને દાગીનાની કુલ કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા ગણાવી છે.
અનેક સ્થળોએ મિલકતો
તલાશી દરમિયાન અધિકારીઓને અનેક ચલ અને અચલ સંપત્તિઓ સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા હતા. તેમાં લખનૌમાં અનેક મકાનો અને પ્લોટ, લખનૌ, બારાબંકી અને રાયબરેલીમાં આવેલી કૃષિ જમીનો તેમ જ લખનૌ અને નોઇડામાં ફ્લેટ બુકિંગના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ અચલ સંપત્તિઓની અંદાજિત કિંમત લગભગ 13 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. તપાસ ટીમને બેંક ડિપોઝિટ, પોસ્ટ ઓફિસની યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં એક કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા હતા.

આ ઉપરાંત, ઘરમાંથી એક ટોયોટા ઇનોવા, એક હ્યુન્ડાઈ i20 કાર અને એક રિવોલ્વર પણ મળી આવી હતી. અધિકારીઓએ તપાસ દરમિયાન ઘરમાં રહેલા મોંઘા ફર્નિચર અને અન્ય કીમતી વસ્તુઓની પણ યાદી તૈયાર કરી છે.
કુલ 35 કરોડ રૂપિયાની સંપત્તિનો અંદાજ
ઉત્તર પ્રદેશ વિજિલન્સ એસ્ટેબ્લિશમેન્ટના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન મળી આવેલી રોકડ રકમ, સોનું-ચાંદી, દાગીના, ચલ-અચલ સંપત્તિઓ અને વિવિધ રોકાણોને મળીને કુલ સંપત્તિની કિંમત અંદાજે 35 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.



