લો-પ્રેશર સક્રિય થતાં વરસાદની રાજ્યમાં ફરી એન્ટ્રી, 9 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, લો-પ્રેશર સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

આગાહી મુજબ, 12 સપ્ટેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદી આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક હળવાથી ભારે વરસાદનો વિસ્તારપૂર્વકનો સ્પેલ જોવા મળશે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

14 સપ્ટેમ્બરે મેઘરાજા વધુ જોર પકડશે, જેમાં ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા સાથે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. આ જ દિવસે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદનું ‘યલો એલર્ટ’ રહેશે. જ્યારે 15 સપ્ટેમ્બરે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદના ‘યલો એલર્ટ’ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.